સુરતનું ટેક્સટાઇલ માર્કેટ રખાયું બંધ, વેપારીઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પી

સુરતઃ ભારત રત્ન અને ભારતનાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું ગત રોજ દેહાંત થયાં બાદ સમગ્ર દેશમાં તેમનાં માટે શ્રદ્ધાંજલિનાં અનેક કાર્યક્રમો થઈ રહ્યાં હતાં ત્યારે આજે સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવાનાં ઉદ્દેશ્યથી સંપૂર્ણપણે ટેક્સટાઇલ ઉદ્યોગને બંધ કરી દેવામાં આવેલ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ થતાં આજે ૧૩ લાખ જેટલાં લોકો વાજપેયીને એક દિવસ કામ ન કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યાં છે.

ભારતનાં પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી નવાઝવામાં આવેલા એવાં અટલ બિહારી વાજપેયીનું ગત સાંજે દેહાંત થયાં બાદ સમગ્ર રાષ્ટ્રમાંથી તેમને અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારે સુરત શહેરમાં આવેલા ટેક્સટાઇલ ઉદ્યોગનાં ઉદ્યોગપતિઓ દ્વારા આજે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

ગઈ કાલે સાંજે વાજપેયીજીનાં દેહાંત બાદ તુરંત જ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિયેશનનાં લોકોએ એક દિવસ બંધ પાડીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું. આજે સુરત શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગને લગતા તમામ વ્યવસાયોએ સંપૂર્ણપણે બંધ પાળ્યો હતો.

સુરત શહેરમાં આવેલી કુલ ૧૭૦ જેટલી ટેક્સટાઇલ માર્કેટોમાં ૬૫ હજાર જેટલી દુકાનો દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વિવિધ નીતિ યાન જેવાં તમામ ઉદ્યોગોએ પણ બંધ પાડીને અટલબિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી છે. ત્યારે આ ઉદ્યોગો સાથે સંકળાયેલાં ૧૩ લાખ જેટલાં લોકોએ પણ આ શ્રદ્ધાંજલિમાં ઘરે રહીને અનોખો ભાગ ભજવી રહ્યાં છે.

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા આજે સંપૂર્ણપણે બંધ પાડવામાં આવ્યો હતો. ત્યારે અટલબિહારી વાજપેયીની લખવામાં આવેલા કાવ્યરચનાઓ વગેરેને તેઓ દ્વારા યાદ કરવામાં આવી હતી અને તેમની નિખાલસતાને પણ આ તબક્કે ટેક્સટાઈલનાં ઉદ્યોગપતિઓ ભૂલ્યાં ન હતાં.

અટલ બિહારી વાજપેયીજીનાં રૂપમાં ભારતે પોતાનાં એક પનોતા પુત્રને ખોયાં છે ત્યારે ભારતનાં રાજકારણમાં સશક્ત વિપક્ષ ઉભું કરવામાં તેમની મહત્ત્વની ભૂમિકાને લઈને પણ આજે લોકોએ વાજપેયીજીને પોતાની યાદોમાં પણ વિસર્યા નથી.

You might also like