સુરતની સાડીઓ હવે ખરીદવી મોંઘી બનશે

સુરત: દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. જેના લીધે દુનિયાભરમાં વિખ્યાત સુરતની સાડીઓ હવે ખરીદવી મોંઘી બનશે. કારણ કે વર્તમાન પરિસ્થિતિનું નિર્માણ જ એવું થયું છે કે જેને લઇને હવે સુરતની સાડી ખરીદવી અને પહેરવી પણ મોંઘી પડશે. સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન દ્રારા ડાઇંગ હાઉસ પ્રોસેસિંગમાં 15 ટકા સુધીનો વધારો જાહેર કરી દેવાયો છે. ભાવવધારાનાં નામે જોબચાર્જ વધારી દેવામાં આવતાં વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે તેની બીજી બાજુ પરિણામ એ થઇ રહ્યું છે કે હવે સુરતી સાડી ખરીદવી મોંઘી બની રહેશે.

ટેક્ષટાઇલ નગરી સુરતનો કાપડઉધોગ હાલ સંકટ સમયનો સામનો કરી રહ્યું છે. સુરતમાં દરરોજ 3 કરોડ મીટર કાપડ તૈયાર થાય છે. એટલું જ નહિં અહીં રોજનું ટર્નઓવર પણ 100 કરોડ સુધીનું હોય છે. આ આંકડા ભલે ટેક્ષટાઇલ ઉધોગની ભવ્યતા બતાવતાં હોય પણ સિક્કાની બીજી બાજુ ટેક્ષટાઇલ ઉધોગ હાલ તેટલાં જ કપરા સમયમાંથી પણ પસાર થઇ રહ્યું છે. ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓનાં ભાવ ઉંચે ગયાં છે પછી તે રો મટીરીયલ્સ હોય,ગેસની કિંમતો હોય કે પ્રોસેસિંગ જોબચાર્જ હોય. સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન દ્રારા કોલસા, કેમીકલનાં ભાવવધારાના કારણે પ્રોસેસિંગ જોબચાર્જમાં વધારો કરવાનો સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. પ્રોસેસિંગ જોબચાર્જમાં 15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

દર મીટરે 5 થી 7 રૂપિયા જેટલો વધારો જોબચાર્જનાં લીધે આવશે. જેનાં કારણે હવે હલ્કી ક્વોલીટીથી લઇને હેવી ક્વોલીટીવાળી સાડીની કિંમતમાં 10 રૂપિયાથી લઇને 75 રૂપિયા સુધીનો વધારો આવશે. એટલે કે હવે સુરતની સાડી ખરીદવી અને પહેરવી મોંઘી બનશે.

છેલ્લા બે વર્ષમાં ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝની હાલત બદથી બદતર બની રહી છે. કેમીકલ,ડાઇ તેમજ ઇનપુટ કોસ્ટ જેવાં કે નેચરલ ગેસ,કોલસાનાં ભાવ ઉપરાંત લેબર કોસ્ટ અને રો મટીરીયલ્સની કિંમતો વધતાં કેટલાંક મિલમાલિકોને હવે ઇન્ડસ્ટ્રીઝનું ભારણ ખેંચવું અઘરૂ પડતાં અસંખ્ય મિલો બંધ કરવાનો વારો આવ્યો છે..બીજી તરફ આ ભારણની અસર હવે સાડી-ડ્રેસ મટીરીયલ્સનાં ભાવો પર પડતાં વેપારીઓ પણ કપરી સ્થિતિમાં મુકાયા છે.

You might also like