પોલીસે પકડી પાડ્યું IMEI નંબર બદલી નાખવાનું રેકેટ

સુરત: પોલીસતંત્ર અપડેટ થાય એ પહેલા ગુનાખોરીની પેટર્ન બદલાઇ રહી છે. પોલીસ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી બદમાશો ઉપર ડિજિટલ વોચ રાખવાનો ગમે તેટલો દાવો કરે પણ ગુનેગારો તેમનાથી એક ડગલું આગળ ચાલતાં હોવાની પ્રતીતિ કરતાં ખુલાસાઓ અવારનવાર થતાં રહે છે જેનો પુરાવો આજરોજ સુરતમાં જોવા મળ્યો જ્યાં પોલીસે ચોરીના મોબાઈલના આઈએમઈઆઈ નંબર બદલી નાખનાર શખ્શ ને ઝડપી પડ્યો.

ચોરી, લૂંટ, હત્યા કે અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં ગુનેગારોને ઝડપી પાડવા માટે મોબાઇલ ફોન સૌથી સચોટ માધ્યમ પોલીસ માટે પૂરવાર થતું આવ્યું છે. જો કે હવે ગુનેગારોએ મોબાઇલ જેના આધારે ટ્રેક કરવામાં આવે છે એ આઇએમઇઆઇ નંબર જ બદલી નાંખવાનો કીમિયો શોધી કાઢયો છે. ચોરી ચપાટીથી મેળવેલા મોબાઇલને આઇએમઇઆઇ નંબર બદલી નવી આઇડેન્ટિટી આપી વેચવાનું રેકેટ પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. ભાગાતળાવ વિસ્તારની જનતાં માર્કેટની એક દુકાનમાં દરોડો પાડી પોલીસે ૧૦૭ મોબાઇલ સહિત ૬.૨૪ લાખની મતા કબજે લીધી છે. જેમાં ચોરીના મોબાઈલનો આઈએમઈઆઈ નંબર બદલી નાખવામાં આવતો હોવાનું પણ બહાર આવ્યું છે.

સુરત શહેરમાં મોબાઇલ સ્નેચિંગના બનાવો રોજબરોજ બની રહ્યા છે. આવા બનાવો અંગે ટેકનિકલી વોચ ગોઠવવા છતાં મોટાભાગના કિસ્સાઓમાં પરિણામ મળતું ન હતું. આ બાબતે શહેરમાંથી ચોરાયેલા મોબાઇલ અન્ય રાજ્યોમાં મોકલી દેવા અથવા તો ટેકનોલોજીકલ કારીગરીની ગંધ આવતી હતી જેના કારણે ભાગા તળાવ ખાતેની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી આઈએમઈઆઈ નંબર બદલી નાખવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું

ચોરીના મોબાઇલ લે-વેચ કરતાં મોહંમદ હનીફ પઠાણની તપાસમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી હતી કે તે સેમસંગ, માઇક્રોમેક્સ વિગેરે કંપનીના બેટરી છૂટી કરાતી હોય એવા મોબાઇલ ફોનના આઇએમઇઆઇ નંબર બદલી નાંખતો હતો. આ માટેની ટેકનિક તેણે વેબસાઇડથી શીખી હતી. યુ ટયૂબ ઉપર આ નંબર બદલવાનો ડેમો પણ ઉપલબ્ધ છે. MAUI META BUILD 8.15 અને SAMSUNG TOOL નામના સોફવેર ડાઉનલોડ કર્યા બાદ તેને Z3X પોર્ટ સાથે કનેક્ટ કરી મોબાઇલની આઇડેન્ટીટી સમાન આઇએમઇઆઇ નંબર બદલી નાંખવામાં આવતા હતાં.

સામાન્ય રીતે ગુનાખોરીના બનાવોમાં ટેક્નોલોજી અને એમાં પણ ખાશ કરીને આઇએમઇઆઇ નંબર સૌથી વધારે મદદગાર સાબિત થતા હોય છે ત્યારે આવી રીતે આઇએમઇઆઇ નંબર બદલી નાખવામાં આવતા જુના ડેટા ચાલ્યા જતા હોય છે. હવે જયારે એક શખ્સને પોલીસે ઝડપી પડ્યો છે તેના આધારે સમગ્ર રેકેટ સુધી પહોંચવા પોલીસ પ્રયાશ કરી રહી છે.

You might also like