સુરત પાસપોર્ટ કચેરીમાં અરજદાર સાથે સંબંધીઓને પણ પ્રવેશ!

સુરત ખાતે આવેલી દક્ષિણ ગુજરાતની મુખ્ય પાસપોર્ટ કચેરીમાં હવે અરજદાર સાથે અન્ય સંબંધીઓને પણ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત ખાતે આવેલી પાસપોર્ટ કચેરીમાં એટલી કડકાઇ હતી કે અરજદાર સિવાય કોઇ પણ અન્ય વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો ન હતો. તેને કારણે નિરક્ષર કે અશક્ત હોય તેવા લોકોને અંદર જઇને પ્રક્રિયા કરવામાં મુશ્કેલી પડતી હતી.
ખાસ કરીને ગામડાંમાંથી આવતા લોકો જેઓ પહેલી જ વાર આ પ્રકારના કામ માટે આવ્યા હોય તેમને ઘણી મુશ્કેલી પડતી હતી. આ અંગે વારંવાર રજૂઆતો પણ કરાઇ હતી જેને લઇને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે લોહીનો સંબંધ ધરાવતી કોઇ પણ વ્યક્તિને કે પરિવારનો સભ્ય હોય તેને હવેથી અરજદાર સાથે જવાની છૂટ રહેશે. તેમણે પોતાનું ઓળખપત્ર સાથે રાખવું પડશે.

આ નિર્ણયથી કચેરીમાં ભીડ વધવાની શક્યતા છે. આ સમસ્યાના નિરાકરણ માટે અંદર ૨૦ જેટલા બાંકડા મૂકીને તેમના માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ, આ નિર્ણયથી નિરક્ષર અને ખાસ કરીને ગામડામાંથી આવનારા લોકોને ફાયદો રહેશે. દક્ષિણ ગુજરાતમાં બારડોલીથી લઇને વલસાડ સુધી એનઆરઆઈની મોટી સંખ્યા છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, યુએસ અને ન્યૂઝીલેન્ડમાં મોટી સંખ્યા છે.

You might also like