રાંદેરનાં કુખ્યાત અસ્ત્રાનાં ભાઈ નીતેશની ગેંગવોરમાં કરાઈ હત્યા

સુરતઃ શહેરનાં રાંદેર-પાલનપુર જકાતનાકા પાસે ગઇ કાલે મોડી રાતે રપ વર્ષીય યુવકની ગેંગ વોરમાં હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. યુવકને તેની હરીફ ગેંગના સાગરીતો ચપ્પાના ઘા ઝીંકી નાસી ગયા હતા. એક રાહદારી દ્વારા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાનાં પગલે રાંદેર અને અડાજણ પોલીસ દોડતી થઈ ગઇ હતી. જો કે હુમલો થયેલા યુવકને કઈ હોસ્પિટલમાં લઈ જવાયો તે અંગે પોલીસ પાસે પણ માહિતી ન હતી. યુવકની હત્યા જૂની ગેંગ વોરમાં થયો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. યુવકનું નામ નીતેશ ઉર્ફ ભીખુ આદિત્ય ઠાકુર છે અને તે રાંદેરનાં ઘનશ્યામનગરમાં રહે છે.

અગાઉ તેના સગા ભાઈ આદમ અસ્ત્રાનું પણ મર્ડર થયું હતું. આ હત્યા રિન્કુ નામનાં શખ્સે કરી હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં રાંદેર પોલીસે મોડી રાતે હત્યાનો ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. નીતેશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નીતેશ વિરુદ્ધમાં અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. થોડાક સમય પહેલાં ગેંગ વોરમાં એક કસાઇની પણ સુરતમાં હત્યા થઇ હતી.

You might also like