દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર, સુરતથી ઝડપાયો રૂ.40 લાખનો વિદેશી દારૂ

સુરતઃ જિલ્લા આર. આર. સેલને એક મોટી સફળતા હાંસલ થઇ છે. આર. આર. સેલ દ્વારા 40 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. હરિયાણાથી ટ્રકમાં ભરીને જિલ્લામાં ઘુસાડવામાં આવી રહેલાં મોટી માત્રાનાં વિદેશી દારૂ પર પોલીસે દરોડા પાડ્યાં હતાં.

પોલીસ દ્વારા માંડવીનાં લીમોદરા પાટિયા પાસેથી આ વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 40 લાખનાં દારૂ સાથે કુલ 56 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને ડ્રાઇવરની અટકાયત કરી છે. જો કે અન્ય ચાર વ્યક્તિ ફરાર થઇ ગયાં છે. જેથી તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

દારૂ મુદ્દે જો વધુ વાત કરીએ તો બીજી બાજુ આજે છોટા ઉદેપુર જિલ્લાનાં નસવાડીમાં પણ દેશી દારૂ બનાવતાં બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. નસવાડીમાં અશ્વિન નદીનાં પટ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા હાથ ધર્યા હતાં અને દારૂની ભઠ્ઠી પર તોડફોડ કરીને ઘટનાસ્થળે જ દેશી દારૂનો નાશ કરાયો હતો. પોલીસનાં આ દરોડાને લઈને અન્ય દેશી દારૂ બનાવતા બુટલેગરોમાં પણ ભારે ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.

આ ઉપરાંત અરવલ્લીમાં શામળાજીમાં પણ રૂપિયા 7 કરોડ 80 લાખનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. શામળાજી પોલીસ મથકે ઝડપાયેલાં દારૂનાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 3.10 લાખ દારૂની બોટલોને નાશ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તંત્રનાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

You might also like