સુરતઃ આમરણાંત ઉપવાસને લઈ હાર્દિકનું નિવેદન, “ભાજપ દ્વારા આંદોલન દબાવવાનો પ્રયાસ”

સુરતઃ કામરેજ ખાતે ચક્કાજામ કેસમાં હાર્દિક પટેલ આજે કઠોર કોર્ટમાં હાજર રહ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરનાં રોજ રાખવામાં આવી છે. હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યાં બાદ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાની ઘરની મુલાકાત લીધી હતી.

અમદાવાદ ખાતે એક દિવસનાં પ્રતિક ઉપવાસમાં હાર્દિકની ધરપકડ બાદ અલ્પેશ કથિરીયાની પણ રાજદ્રોહ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ આજે હાર્દિક સુરત આવતા અલ્પેશનાં ઘરે આવ્યો હતો અને તેનાં પરિવાર સાથે વિશેષ વાતચીત કરી હતી.

કામરેજમાં રસ્તા પર ટાયરો સળગાવવા અને ચક્કાજામ કરવા મુદ્દે આજે હાર્દિક પટેલ સુરતની કઠોર કોર્ટમાં હાજર રહ્યો હતો. કઠોર કોર્ટે હાર્દિકને રૂ.7500નાં બોન્ડ પર શરતી જામીન આપ્યાં હતાં. જેમાં આજે તારીખ હોવાંથી હાર્દિક હાજર રહ્યો હતો. જેમાં વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરનાં રોજ રાખવામાં આવી છે.

હાર્દિક પટેલ સુરતની કઠોર કોર્ટમાં હાજર રહ્યાં હતાં. ત્યારે આ દરમ્યાન પોતાનાં આમરણાંત ઉપવાસને લઈને હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે, “આગામી 25મી તારીખે આમરણાંત ઉપવાસ તો થશે જ. સરકાર જગ્યા આપવા માગતી નથી. પરંતુ ભાજપ દ્વારા આંદોલન દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલન કોઈ રાજકીય નથી કે કોંગ્રેસ પ્રેરિત પણ નથી.”

કોર્ટમાં હાજર રહ્યાં બાદ હાર્દિક પટેલ પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાનાં ઘરની મુલાકાતે ગયો હતો અને અલ્પેશનાં માતા-પિતાની મુલાકાત લીધી હતી અને હાર્દિકે જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરીયાની માતાને ગઈ કાલે પોલીસે ઘરે આવીને હેરાન કરી હતી અને મહિલા પોલીસ આવીને તમને પણ લઈ જશે જેવી ધમકી આપવામાં આવી હતી.

કોઈ પણ માણસને કસ્ટડીમાં લઈ જઈને મારે તે માનવ અધિકાર પ્રમાણે યોગ્ય નથી અને અલ્પેશને પણ હું મળ્યો હતો. તે મજબુતાઈથી લડી રહ્યો છે. પરંતુ હરિકૃષ્ણ પટેલ જાણે ભાજપનાં ઈશારે નિર્દોષને મારવાની જાણે સોપારી લીધી હોય તેવું લાગ્યું હતું. પોલીસ અંગ્રેજ બની ગઈ છે. દુ:ખની વાત એ છે કે સુરત સીપી અને હરિકૃષ્ણ પટેલનાં આંતરીક વિવાદમાં અમારા નિર્દોષ માણસો ભોગ બની રહ્યાં છે.

બીજી તરફ વાત કરીએ તો પાસ કન્વીર અલ્પેશ કથીરીયાની માતાએ જણાવ્યું હતું કે, કોઈ પણ વાંક વગર પોલીસ મારા બંને પુત્રોને ઉંચકીને લઈ ગઈ છે અને તેમની પર અમાનુષી અત્યાચાર પણ કરવામાં આવી રહ્યો છે. તે કેટલાં અંશે યોગ્ય છે. આ સમગ્ર કેસમાં અલ્પેશની ધરપકડ બે વર્ષ બાદ પોલીસે કરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આ આંદોલનને રોકવાનો ઓરાયસ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ત્યારે કેટલેક અંશે આ આંદોલનને હવે કોંગ્રેસનું સમર્થન પણ મળી રહ્યું છે ત્યારે અલ્પેશ બહાર આવે એની રાહ એનું પરિવાર જોઈ રહ્યું છે. પાટીદાર આંદોલન અલગ રસ્તે જઇ રહ્યું હોવાની વાતોની ચર્ચા વચ્ચે પોલીસ દ્વારા અલ્પેશની ધરપકડ બાદ હવે આંદોલનને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. ખરેખર હવે આંદોલનમાં શું થશે તે તો આવનારો સમય જ કહેશે.

You might also like