વરૂણ ધવનને મળવા ઘરેથી ભાગી ગઇ 14 વર્ષની સુરતની છોકરી

શનિવારના રોજ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા વરુણ ધવનના ઘરની બહારથી સાંતાક્રુજ પોલીસે સુરતમાં પોતાના ઘરેથી ભાગી ગયેલી એક 14 વર્ષની છોકરીને શોધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ટેક્સટાઈલ મેન્યુફેક્ચરરની દીકરી પોતાના ફેવરિટ એક્ટર વરુણ ધવનને એક વાર મળવા માટે તેના ઘરની બહાર આખી રાત ઉભી રહી હતી. આ છોકરી વરુણ ધવનને મળ્યા વિના પોલીસ સાથે જવા પણ તૈયાર નહોતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ”બિલ્ડિંગના સિક્યોરિટી મેને કહ્યું કે વરુણ ધવન ઘરે હાજર નથી તો પણ તે છોકરી તેને મળવાની જીદ કરતી રહી. જ્યારે તેને લાગ્યું કે સિક્યોરિટી ગાર્ડ તેનો મેસેજ અંદર સુધી નથી પહોંચાડી રહ્યા, તેણે બુમો પાડવાની શરુ કરી. બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિએ તેની બુમો સાંભળીને પોલીસને જાણ કરી.”

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ”શુક્રવારના રોજ સુરતના ટેક્સટાઈલ મેન્યુફેક્ચરરની દીકરી ઘરેથી ભાગી ગઈ હતી. તેના માતા-પિતાએ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.”

પોલીસે જણાવ્યુ કે, તે છોકરી શુક્રવારે લગભગ 3 વાગે ઘરથી નીકળીને મુંબઇ જતી ટ્રેનમાં 4.30 વાગ્યાની ટ્રેનમાં બેઠી હતી. તે રાતે લગભગ 9.30 વાગ્યે મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી ખાર વિસ્તારમાં વરુણના અપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ હતી. શનિવાર બપોર સુધી તે ત્યાં જ રહી. પોલીસે અમરોલી પોલીસને આ વિષે જાણ કરી અને તેને સુરત લઈ જવામાં આવી.

You might also like