પાંડેસરામાં એક યુવક પર અજાણ્યાં ત્રણ શખ્સો દ્વારા ચાર રાઉન્ડ ફાયરિંગ

સુરતઃ શહેરનાં પાંડેસરા વિસ્તારનાં ભીડભંજન આવાસ પાસે માથાભારે જગ્ગા માલિયાનાં સાગરીત પર ગઈ કાલે મોડી સાંજે ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની હતી. ફાયરિંગનાં પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

માથાભારે પ્રવીણ રાઉત અને જગ્ગા માલિયાનાં સાગરીતો વચ્ચે દારૂની ધંધાકીય હરીફાઈમાં ગેંગ વોરના કારણે ફાયરિંગ થયું હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. સુરતનાં બમરોલી રોડના ભીડભંજન આવાસમાં રહેતો વસંત નંદુ દલાઈ નામનો યુવક મંગળવારે સાંજે ઘરની બહાર બેઠો હતો ત્યારે ત્રણ શખ્સો આવીને તેનાં પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યાં હતાં. વસંતને પીઠનાં ભાગે ગોળી વાગતાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.

વસંત દલાઈ માથાભારે જગ્ગા મા‌લિયાનો સાગરીત છે. આ અગાઉ હત્યા, દારૂ અને મારામારી સહિતનાં ગુનાઓમાં પણ પકડાયો હતો. ફાયરિંગમાં માથાભારે પ્રવીણ રાઉતનો હાથ હોવાની આંશકા છે. વસંત પર દારૂના ધંધાની હરીફાઈમાં ગેંગ વોરનાં કારણે ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી રહી છે. ચાર રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટ્યાં હતાં. હુમલાનાં મામલે માથાભારે પ્રવીણ રાઉત સામે આશંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીનાં આધારે તપાસ શરૂ કરી છે.

You might also like