સુરત લઠ્ઠાકાંડઃ તપાસ ટીમમાં વધુ ચાર અધિકારી ઉમેરાયા

અમદાવાદ: સુરતમાં થયેલા લઠ્ઠાકાંડને લઇ સમગ્ર કેસની તપાસ સરકારે એ‌િન્ટટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)ને સોંપી છે. એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે કેસની તપાસ માટે વધુ બે ડીવાયએસપી અને બે પીઆઇની નિમણૂક કરાઇ છે. અગાઉ ક્રાઇમ બ્રાંચ અને એટીએસમાં ફરજ બજાવી ચૂકેલા ચારેય અધિકારીઓ હવે એટીએસ સાથે રહી કેસની તપાસ કરશે.

ગઇ કાલે સુરત પહોંચેલી એટીએસની ટીમે એસ.પી. હિમાંશુ શુકલાની આગેવાનીમાં વરેલી સહિત અનેક જગ્યાએ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મિથેનોલ અંક્લેશ્વરથી આવ્યું હોવાનું ધ્યાને આવતાં પોલીસે તે દિશામાં તપાસ લંબાવી છે. પોલીસવડાએ અમરેલી ડીવાયએસપી બી. અેમ. દેસાઇ, ભાવનગર ડીવાયએસપી એ. એમ. સૈયદ, પોલીસ એકેડેમીના પીઆઇ એમ. એચ. શેખ અને આઇબીના પીઆઇ એચ. વી. સિસારાની નિમણૂક કરી છે.ચારેય અધિકારીઓ એટીએસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં જોડાશે. હાલમાં મૃત્યુઆંક ર૧ પર પહોંચ્યો છે જેમાં ૧૭ મૃતકોના વિશેરાના સેમ્પલમાંથી મિથેનોલ મળી આવ્યું છે, જેથી હવે આ મિથેનોલ ક્યાંથી આવ્યું હતું તે અંગેની તપાસ તેજ ‌કરવામાં આવી છે.

You might also like