સુરતઃ શંકરસિંહ બાપુએ અલ્પેશ કથિરિયાનાં પરિવારની લીધી મુલાકાત

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરત ખાતે દિવાળીનાં દિવસે રાજદ્રોહનાં કેસમાં જેલમાં બંધ એવાં અલ્પેશ કથિરિયાનાં પરિવારની આજે મુલાકાત લીધી હતી. ત્યારે તેઓનું અલ્પેશની નાની બહેને તિલક દ્વારા સ્વાગત કર્યું હતું. જે બાદ પ્રત્રકારો સાથે વાતચીત કરતા રામ મંદિર મુદ્દે ભાજપને આડેહાથ લીધું હતું. તેમજ અલ્પેશનાં પરિવારને સાંત્વના આપી હતી.

પરિવાર સાથેની મુલાકાત બાદ શંકરસિંહે પત્રકાર પરિષદ સંબોધી હતી. શંકરસિંહ બાપુએ જણાવ્યું હતું કે, ભાજપ મંદિરનાં નામે રાજનીતિ કરી રહ્યું છે. માત્ર તાયફા અને ઠાલા વચનો આપી લોકોને ગુમરાહ કરે છે. જો ભાજપને રામ મંદિર જ બનાવવું હોત તો કોઈ પણ સ્થળે બનાવી શક્યું હોત.

છેલ્લાં પાંચ વર્ષોથી તેમનું શાસન છે. પરંતુ ચૂંટણી આવ્યે જ કેમ ભાજપને રામનું નામ યાદ આવે છે. ભાજપ માત્રને માત્ર તાયફા કરી લોકોને છેતરી રહ્યું છે. કોઈ શહેરનું નામ બદલવાથી મત મળશે એવું જો ભાજપ માની રહ્યું હોય તો તે તેની ભુલ છે. કારણ કે, હવે જનતા પણ તેની નીતિઓથી વાકેફ થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે અલ્પેશ કથિરીયા હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાજદ્રોહનાં કેસમાં બંધ છે. હાલમાં આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. અલ્પેશની જેલમુક્તિ માટે PAAS સહિત પાટીદારની અન્ય સંસ્થાઓ પણ કાર્યરત છે. હાર્દિક પટેલ પણ જેલમુક્તિની માંગણીને લઈને ઉપવાસ કરી ચુક્યો છે.

You might also like