સુરતમાં થશે ફ્લાયઓવર્સની સદી!

ગુજરાતનાં અન્ય શહેરોની સરખામણીએ સુરત શહેરમાં ટ્રાફિકજામ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. જેનું એક કારણ અહીંના ફ્લાયઓવર્સ પણ છે. સુરત શહેરના કોઈ પણ વિસ્તારમાંથી નીકળો એટલે ફ્લાયઓવર પરથી ફરજિયાત નીકળવું પડે તેવી સ્થિતિ બની જ ગઈ છે. તેમાં હવે ટૂંક સમયમાં સુરત શહેરના ફ્લાયઓવર્સની સંખ્યા ૧૦૦ થવા જઇ રહી છે.

ગુજરાતમાં સૌથી વધુ ફ્લાયઓવર સુરતમાં હોવાનો દાવો સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. સુરત શહેરના દરેક વિસ્તારને એટેચ્ડ રિંગરોડ ઉપરાંત અનેક ફ્લાયઓવર આવેલા છે. હજુ ગયા અઠવાડિયે જ ૯૧મો ફ્લાયઓવર શહેરના પોશ ગણાતા વિસ્તાર સિટીલાઇટ ખાતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

સુરત મહાનગરપાલિકાના સિટી ઇજનેર જતીન શાહ કહે છે, “આખા ગુજરાતના કોઈ પણ શહેર કરતાં સુરતમાં સૌથી વધારે ફ્લાયઓવર્સ અને બ્રિજ છે. હાલમાં જ ૯૧મો ફ્લાયઓવર સિટીલાઈટ વિસ્તારમાં ખુલ્લો મુકાયો તે ઉપરાંત બીજા ૯ ફ્લાયઓવર્સ પ્લાનિંગમાં છે અને ૩ બીઆરટીએસને જોડતા બ્રિજ બનવાની કામગીરી ચાલુ છે.” આમ જોતાં ટૂંક સમયમાં સુરત ફ્લાયઓવર્સની સદી પૂર્ણ કરશે. સુરતને સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે, જોકે ફ્લાયઓવરની સદી પછી પુલસિટી તરીકે સંબોધવામાં પણ નવાઈ નહીં!

You might also like