સુરત: સંઘવી ગ્રુપની 27 મિલ્કતો થશે જપ્ત, 468 કરોડની લોનની કરાશે વસૂલી

સુરતઃ શહેરનાં ચંદ્રકાંત સંઘવીની 468 કરોડની 27 જેટલી મિલકત ટાંચમાં લેવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ જાહેર કર્યો છે. બેંકોને 468 કરોડ રૂપિયાની લોન ભરપાઈ ન કરી શકનારા સંઘવી ગ્રુપની મુશ્કેલીમાં વધારો થયો છે. ડાયમંડ બિઝનેસમાં એક સમયે મોટું નામ ધરાવનાર સંઘવી ગ્રુપનાં સુરતમાં આવેલા પ્લોટ્સ, ઓફિસ, ફ્લેટ તેમજ બંગલાને જપ્ત કરવાની પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

જૂન 2018માં બેંકોની માંગણીને પગલે સુરત કલેક્ટરે સરફેસીની કાર્યવાહીનો હુકમ આ દિશામાં જાહેર કર્યો છે. શહેરનાં અડાજણ, કતારગામ, મજુરાની મિલકત બેંકને સોંપવા માટે નોટિસ ફટકારાઇ છે.

4 દિવસ પહેલાં જ સંઘવી ગ્રુપને લોન આપનારી બેંકોએ તેનાં મુંબઈનાં ભારત ડાયમંડ બુર્સમાં આવેલી ઓફિસ પણ જપ્ત કરાઇ હતી. સુરત જિલ્લા કલેક્ટરનાં જણાવ્યાં અનુસાર, બેંકોનાં જૂથે લોનની વસૂલી કરવા સંઘવી ગ્રુપનાં માલિક ચંદ્રકાંત સંઘવીની માલિકીની પ્રપોર્ટી જપ્ત કરવા માટે પણ અરજી કરી હતી. જેનાં આધારે આ કડક કાર્યવાહી શરુ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ચંદ્રકાંત સંઘવીની 27 પ્રોપર્ટીની ઓળખ કરવામાં આવી છે. જે સુરતનાં કોટ વિસ્તાર ઉપરાંત કતારગામ, અઠવા લાઈન્સ, મહિધરપુરા મજુરા અને અડાજણમાં આવેલી છે. આ પ્રોપર્ટીમાં પ્લોટ, લાઈટ હાઉસ બિલ્ડિંગ તેમજ ફેક્ટરી બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કતારગામનાં દાલિયા મહોલ્લામાં આવેલી છ ઓફિસોને પણ કબ્જે કરવામાં આવશે. મહત્વનું છે કે બેંકોએ ચંદ્રકાંત સંઘવી સહિત 20 ડિફોલ્ટરોને પણ તમામ પ્રોપર્ટી 15 દિવસની અંદર જ ખાલી કરી દેવાની પણ નોટિસ ફટકારી છે.

You might also like