ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણીની આજે મતગણતરી

સુરત: આજે ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણી માટે એસવીએનઆઇટી ખાતે મતગણતરી થશે. ૩૮૦ મતદાન કેન્દ્રો અને ૨૬ ઉમેદવારો હોવાથી કાઉન્ટિંગ માટે ૧૫ રાઉન્ડ થશે. ૧૨ વાગ્યા સુધી હારજીત નકકી થઇ જશે, પરંતુ આખરી પરિણામ આવતા બે વાગે તેવી શક્યતા છે.જિલ્લા ચૂંટણી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરૂવારે ૨૧મી જાન્યુઆરીના રોજ ચોર્યાસી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૧,૪૮,૯૯૧ મતદારોએ મતદાન કરતા ૩૮.૦૪ ટકા મતદાન થયું હતું. ૩૮૦ મતદાન કેન્દ્રોના ઇવીએમ એસવીએનઆઇટી કોલેજના સ્ટ્રોંગરૃમમાં સીલ કરવામાં આવ્યા છે.

આજે રવિવારે ૨૪મી જાન્યુઆરીના રોજ પેટા ચૂંટણીની મતગણતરી થશે. સવારે ૮ કલાકે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. ત્યારબાદ ઇવીએમ મશીનની મતગણતરી શરૃ થશે. પેટા ચૂંટણી માટે ૩૮.૦૪ જેટલું કંગાળ મતદાન થયું છે. પરંતુ ૨૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી દરેક ઇવીએમ સાથે બે બેલેટ યુનીટ લાગેલા હોવાથી કાઉન્ટિંગ માટે મોડું થશે. મતગણતરી માટે ૧૫ રાઉન્ડ નક્કી થયા છે. મત ગણતરીમાં રવિવારે રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. કોણ જીતશે કોણ હારશે તેની ઉત્સુકતા મતદારોમાં જોવામાં આવી રહી છે. બપોરે ૧૨ વાગ્યા સુધી હાર-જીત નક્કી થઇ જશે. પરંતુ આખરી પરિણામ આવતા બપોરે ૨ થી સાંજે ૫ વાગશે તેવી શક્યતા છે.

You might also like