સુરતનો બીઆરટીએસ રૂટ જોખમ સર્જશે?

અમદાવાદ શહેરી વિકાસના અનુકરણથી સુરતમાં પણ બીઆરટીએસ સેવા શરૂ કરવામાં આવી છે. સુરતમાં બીઆરટીએસ રૂટનું ઘણું ખરું કામ બાકી હોઈ હાલ માત્ર એક જ વિસ્તારના રૂટમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. જોકે આ રૂટ પરથી જ સમગ્ર સુરતની બીઆરટીએસ સેવા જોખમી બની રહેશે તેમ લાગી રહ્યું છે.

સુરતમાં ડુમસ રિસોર્ટથી લઈને સરથાણા જકાતનાકા સુધીના ર૦ કિલોમીટરના રૂટમાં શરૂ કરાયેલી આ બીઆરટીએસ સર્વિસ ડભોલી નજીક આવેલી ગજેરા હાઈસ્કૂલનાં બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓ રેલિંગ કૂદીને બીઆરટીએસ રૂટમાંથી રસ્તો ક્રોસ કરે છે અને રિસેસના સમયે બીઆરટીસમાં જ રમતાં પણ નજરે પડે છે. બીઆરટીએસ રૂટમાં બસોને અન્ય ટ્રાફિક નડતો ન હોઈ પૂરઝડપે દોડતી બસો આ બાળકો માટે ભય સર્જી શકે છે.

જોકે સુરતમાં બીઆરટીએસ રૂટનું સંપૂર્ણ કામ પૂર્ણ થયું ન હોઈ બાઈકસવારો અને કારચાલકો પણ ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે પોતાનાં વાહનો બીઆરટીએસ રૂટમાં જ પૂર ઝડપે હંકારે છે. આમ સુરતમાં બીઆરટીએસનો હાલનો રૂટ જોખમી સાબિત થાય તો નવાઈ નહીં!

You might also like