સુરતમાં આવતી કાલે ભાજપ દ્વારા પાટીદારોનો મેગા શો

અમદાવાદ: આવતી કાલે સુરત ખાતે ભાજપ આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા પક્ષના સંગઠન દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે. વિધાનસભા વિસ્તારદીઠ વીસ હજાર મેદની એકઠી કરવાનો ટાર્ગેટ સુરતના ધારાસભ્યોને અપાયો છે ત્યારે બીજી તરફ પાસ દ્વારા આ કાર્યક્રમનો સમાંતર વિરોધ કરવા માટે ગુપ્ત બેઠકોનો દોર વધ્યો છે.

પાટીદાર બહેનોએ થાળી-વેલણ વગાડી વિરોધ કરવાની વ્યૂહરચના જાહેર કરી છે તો સાથે-સાથે પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા પાટીદારનાં કુટુંબીજનોએ સુરતના પાટીદારોને આ કાર્યક્રમમાં સામેલ ન થવા માટે અપીલ કરી છે.

નેતૃત્વ પરિવર્તન બાદ પહેલી વાર પાટીદાર વિસ્તારમાં આવડો મોટો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. સત્તાવાર રીતે ભલે પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હોય, પરંતુ હવે પરદા પાછળ રહેલા ભાજપના આગેવાનો જાહેરમાં આવ્યા છે. રાજ્ય સરકારના પ્રધાનો શંકર ચૌધરી, નાનુ વાનાણી, જયેશ રાદડિયા સહિત ધારાસભ્યો યોગેશ પટેલ, દુષ્યંત પટેલ, રજની પટેલ, બાબુભાઇ પટેલ, કાના અમૃતિયા, વલ્લભ કાક‌િડયા સહિતના ૨૧ ધારાસભ્ય ગઇ કાલે સન્માન સમારોહ કાર્યક્રમના આયોજન અંગેની મિટિંગમાં હાજર રહ્યા હતા.

આ અંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે પાટીદારો અમારી સાથે જ છે અને રહેશે. આવતી કાલનો કાર્યક્રમ જ તેની સાબિતી આપશે. સુરત સર્કિટ હાઉસ ખાતે ગઇ કાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાના પાટીદાર શહેર-જિલ્લા પ્રમુખોની પણ એક બેઠક મળી હતી. રાષ્ટ્રીય પ્રમુખનો કાર્યક્રમ હોઇ પાટીદાર અભિવાદન સમારોહ ઉપર જ માત્ર આધાર રાખવાના બદલે ભાજપ આગેવાનો પણ આયોજનમાં કૂદી પડ્યા છે. સુરત બહારથી આવેલા તમામ આગેવાનોને આવતી કાલ સાંજ સુધી સુરતમાં જ રહેવા માટે સૂચના અપાઇ છે.

પ્રદેશ ભાજપ દક્ષિણ ગુજરાત ઝોન સંગઠન ઇન્ચાર્જ ભરતસિંહ પરમારે આજે જણાવ્યું હતું કે ૯૫ થી ૯૮ ટકા પાટીદારોની ગેરસમજ દૂર થઇ છે. છેલ્લા પાંચ-સાત મહિનામાં જે ઘટનાઓ બની તેમાંથી પાટીદાર સમાજ યુ-ટર્ન લેવા જઇ રહ્યો છે. સુરતમાં કાલે ભાજપના નવા શહેર કાર્યાલયનું ઉદ્ઘાટન અમિત શાહના હસ્તે થશે. સુરતના ૫૦થી વધુ હીરાના વેપારીઓને પણ આવતી કાલના સમારોહ માટે સંખ્યા ભેગી કરવાનો ટાર્ગેટ અપાયો છે.

ગઇ કાલે અભિવાદન સમિતિ દ્વારા યોજાયેલી એક પુણા તળાવની બેઠકમાં પાટીદાર મહિલાઓએ થાળી-વેલણ વગાડી વિરોધ કરતાં સમિતિના આગેવાન મહેશ સવાણી, ધારાસભ્ય કુમાર કાનાણી, પ્રફુલ્લ પાનસરિયાને સભા છોડી જવું પડ્યું હતું. આગેવાનોએ ભાજપના પ્રધાન નાનુ વાનાણીનો હુરિયો બોલાવ્યો હતો. ટીખળકારો સમારાેહના લાગેલા પોસ્ટર પર કાળી શાહી લગાવી રહ્યા છે. પાસ દ્વારા ઠેર ઠેર વિરોધ કાર્યક્રમો યોજવાની તૈયારી થતાં પાસના કન્વીનરો લલિત વસોયા, વરુણ પટેલ સહિતના આગેવાનો સામે છ ગુના નોંધાયા છે.

You might also like