સુરત ઘટના એ ભાજપમાં યથાવત્ જૂથબંધીનું પરિણામ

સુરતમાં પાટીદાર અભિવાદન સમારોહના નામે ભાજપ પાટીદારોમાં પોતાનો ગઢ મજબૂત હોવાનું સાબિત કરવા માગતું હતું, પરંતુ ભાજપે ન ધારેલી સ્થિતિ સર્જાઇ.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ખુરશીઓ ઉછળે તે ઘટના ગુજરાતના રાજકારણ માટે હાલના તબક્કે ચોક્કસ અસાધારણ જ ગણવી પડે. સચિવાલયમાં ચાલતી ચર્ચામાં હવે અમિત શાહનું વજન પણ પોતાના જ ગુજરાતમાં ઓછું થયું હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટના બનવા પાછળ અનેક રાજકીય તર્ક થઈ રહ્યાં છે. એક તર્ક એવો છે કે ગુજરાતમાં અગાઉ મુખ્યમંત્રીને હટાવવા આવી ઘટનાઓ બની છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ હોય કે સુરેશ મહેતા કે પછી આનંદીબહેન પટેલને હોદ્દા પરથી દૂર કરવા ભાજપની જ આંતરિક જૂથબંધીએ સુરતવાળી કરી હતી.

હવે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી બેઠા પછી કોણ તેમને દૂર કરવા માગે છે તે ચર્ચાનો વિષય છે. સુરતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાટીદારોનો દબદબો રહ્યો છે.આથી જ ભાજપ દ્વારા સુરતની પસંદગી કરવામાં આવી હતી. આ સભામાં સરકારના પાટીદાર નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મેડિકલ ગ્રાઉન્ડ પર ગેરહાજર હતા. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીને કારણે માત્ર હાજરી પુરાવવા ખાતર હાજર હતાં. સરકારે આ ઘટનાને પગલે આઇબી પાસેથી રિપોર્ટ માગ્યો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કરતાં અમિત શાહ સામેનો રોષ વધુ હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટના પરથી ચોક્કસ એવું કહી શકાય કે આનંદીબહેન પટેલને હટાવ્યા પછી ભાજપની આંતરિક ખેંચતાણ વધારે વધી ગઇ છે. આથી ૨૦૧૭ની ચૂંટણી સુધીમાં આવી ઘટનાઓ બનતી રહેશે.

કોંગ્રેસમાં પણ આંતરિક જૂથવાદ સામે આવ્યો
ગુજરાતમાં ૨૦૧૭નું વર્ષ નજીક આવતું જાય છે તેમ ભાજપ-કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ માથું ઊંચકી રહ્યો છે. ભાજપમાં સત્તા માટે આંતરિક જૂથવાદ કારણભૂત બન્યો છે. તો કોંગ્રેસમાં ૨૦૧૭માં સત્તા આવશે તેવા સ્વપ્નથી અનેક જૂથો આમનેસામને આવી ગયાં છે. પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર જેવા નેતાએ બળવો કરી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે જ સવાલ ઊભા કર્યા છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર જગદીશ ઠાકોરના ટેકેદારોએ હલ્લાબોલ મચાવ્યો હતો. જગદીશ ઠાકોર કોંગ્રેસની મૂડીસમાન છે, કારણ કે ઠાકોર સમાજનું મજબૂત પ્રતિનિધિત્વ તેઓ કરે છે. સાથે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના જ જૂથના ગણાતાં જગદીશ ઠાકોરે તેમના જ પુત્ર અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે બાંયો ચઢાવી તે વાત રાજકીય નિષ્ણાતો મહત્ત્વની માની રહ્યા છે.

ભરતસિંહ સોલંકી કોઇ પણ મુદ્દે નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા હોવાની ફરિયાદો કોંગ્રેસમાં લાંબા સમયથી ઊઠી રહી છે. જગદીશ ઠાકોર પછી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પણ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી હોવાના પુરાવા આપ્યા. તેઓએ પોતાને સોંપાયેલી વિધાનસભાની જવાબદારીમાંથી મુક્ત કરવા પત્ર લખ્યો. જોકે શક્તિસિંહે આ પત્ર કુંવરજી બાવળિયાની નારાજગીને કારણે લખ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. પત્રમાં ભાજપના સહારે કેટલાક લોકો કોંગ્રેસને તોડવા માગે છે તેવો ઉલ્લેખ કરાયો છે. જે કોંગ્રેસમાં ચાલતી ખેંચતાણની ચાડી ખાય છે.

ભાજપ સરકારે હાર્દિકને ફરી હીરો બનાવ્યો
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી સતત હાર્દિક પટેલ હીરો બની રહ્યો હોય તેવી ઘટના બની રહી છે. એક સમયે હાર્દિક અનામત આંદોલન ચલાવવામાં નિષ્ફળ ગયું હોવાનો અહેસાસ થતો હોય તેવા જ સમયે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કોઇ ને કોઇ ભૂલ કરવામાં આવે અને હાર્દિક પાછો હીરો બની જતો હોય છે. આપને યાદ હોય તો ૨૦૧૫માં અમદાવાદમાં હાર્દિક
દ્વારા યોજાયેલી રેલી શાંતિપૂર્ણ રીતે પૂરી થઇ ચૂકી હતી અને પોલીસે લાઠીચાર્જ કરતાં સર્જાયેલી સ્થિતિથી હાર્દિક હીરો બની ગયો હતો, તેવી જ રીતે લાંબા સમયથી રાજસ્થાન રહેલા હાર્દિકનું જોર ઘટી રહ્યું હતું.

તેના જ ‘પાસ’ના સભ્યો દ્વારા તેની સામે ગંભીર આક્ષેપો કરાઈ રહ્યા હતા. તેવા સમયે સરકાર દ્વારા જ સુરતમાં પાટીદાર અભિવાદન સમિતિના નામે સમારોહનું આયોજન કરાયું અને સમારોહ પહેલાં પાટીદારોમાં ભાગલા પડાવવા સરકારીતંત્રનો વ્યાપક દુરુપયોગ પણ થયો. જોકે પાટીદાર યુવાનો સરકારની સાથે નહીં હાર્દિકની સાથે જ હોવાની છાપ ઊભી થઇ. સરકારે ‘પાસ’ને તોડી પાડવાના કરેલા રાજકીય દાવપેચ નિષ્ફળ ગયા, સાથે સરકારની આ રાજકીય ચાલ પણ બુમરેંગ સાબિત થઈ. જે ‘પાસ’ તોડવાને આરે આવીને ઊભું હતું તે ‘પાસ’ સુરતના સમારોહ પછી વધારે મજબૂત બન્યું હોવાનો સૂર રાજકીય નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. જેથી હાર્દિક અને તેનું ‘પાસ’ સંગઠન ફરીથી હીરો બની ગયું.

You might also like