સુરતમાં ટેન્કરે બાઈકને અડફેટે લેતાં બે વેપારીના મોત નીપજ્યાં

અમદાવાદ: સુરતમાં ભેસ્તાન ચોકડી પાસે ગઇ કાલે મોડી સાંજે ટેન્કરની અડફેટે આવી જતાં રેડીમેડ ગાર્મેન્ટના બે વેપારીનાં કમકમાટીભર્યાં મોત થતાં આ ઘટનાએ અરેરાટી ફેલાવી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે સુરતના લાજપોર વિસ્તારમા્ં રહેતા અને આ જ વિસ્તારમાં રેડીમેડ ગાર્મેન્ટનો વ્યવસાય કરતા વેપારી મુસબ્બર આસમ શેરખાન અને શ‌િકલ અખ્તર પઠાણ બંને જણા ગઇ કાલે મોડી સાંજે પાંડેસરાથી લાજપોર તરફ બાઇક પર આવી રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી પુરઝડપે આવેલા ટેન્કરે બંનેને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થવાના કારણે બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગાંધીનગર નજીક સરગાસણ ચોકડી પાસે ગઇ કાલે મોડી રાત્રે રિક્ષા, બાઇક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત થતાં આઠ વ્યકિતને ઇજાઓ પહોંચતાં તમામને ૧૦૮ મારફતે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત થરાદ નજીક સ્કોર્પિયો-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યકિતનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું અને ૧૦ વ્યકિતને ગંભીર ઇજા પહોંચી હતી. સ્કોર્પિયો કાર લગ્ન માટેનો સામાન લઇ થરાદ તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો, જેમાં દિનેશભાઇ વીહાભાઇ રાજપૂત નામનો ર૩ વર્ષીય યુવાન ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. આ અકસ્માતમાં ઇજા પામેલ તમામને પાલનપુર અને મહેસાણાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like