અમે મહિલા સાંસદો ઘણીવાર સાડી અને ફેશનની ચર્ચા કરીએ છીએઃ સુપ્રિયા સુળે

નાસિક: એનસીપીનાં સાંસદ અને શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ મહિલા સાંસદોને લઈને એક રસપ્રદ નિવેદન જારી કર્યું છે. નાસિકમાં મહિલાઓના એક કાર્યક્રમમાં બોલતાં સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે સંસદમાં અમે મહિલા સાંસદો જ્યારે બોર થઈ જઈએ છીએ ત્યારે સાડી અને ફેશન વગેરેની ચર્ચા કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે સંસદમાં જ્યારે ગંભીર મુદ્દાઓ પર લાંબા લચક ભાષણો બોરિંગ થવા લાગે છે ત્યારે અમે બરાબર ગોસિપ કરીએ છીએ.

સુપ્રિયાએ જણાવ્યું હતું કે હું દક્ષિણ ભારતની મહિલા સાંસદો સાથે ફેશન અંગે વાતચીત કરતી હોઉં છું અને તેમને કદાચ એવું લાગતું હશે કે અમે લોકો દેશ હિત સાથે સંકળાયેલી કોઈ બાબત અંગે ગંભીર ચર્ચામાં મશગૂલ છીએ. એનસીપીના સાંસદ સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે સ્કૂલના વિદ્યાર્થીઓની જેમ સાંસદો પણ ગૃહમાં ઘણીવાર લાંબાં લાંબાં ભાષણો અને ચર્ચા સાંભળીને બોર થઈ જાય છે અને પછી આપસમાં બીજા વિષય પર વાત કરવા લાગે છે.

હું જ્યારે સંસદમાં જાઉં છું ત્યારે પહેલું ભાષણ સાંભળું છું, પછી બીજું અને તેના પછી ત્રીજું અને જ્યારે ચોથું ભાષણ આવે છે ત્યારે એકની એક વાત રિપીટ થવા લાગે છે અને ભાષણોથી બોર થઈને સાંસદો વચ્ચે વચ્ચે એકાદ ઝોકું પણ મારી લે છે અથવા તો બાજુના સાંસદો સાથે ગપ્પાં મારવા લાગે છે.

You might also like