ગુજરાતી ફિલ્મ કરવાનો આનંદ છેઃ સુપ્રિયા પાઠક

‘ખીચડી’ની હંસા કહો કે ‘રામ-લીલા’ની ધનકોરબા… આ પાત્રોને લોકજીભે રમતાં કરનાર કલાકાર સુપ્રિયા પાઠકનું નામ ગુજરાતીઓ કે બોલિવૂડ માટે અજાણ્યું નથી. ૧૯૮૧માં ફિલ્મ ‘કલિયુગ’થી કારકિર્દીની શરૂઆત કરનારાં સુપ્રિયા હવે પ્રથમ વાર ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’માં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ સમયે સુપ્રિયા પાઠક સાથેની ખાસ વાતચીત…

પ્રથમ વાર ગુજરાતી ફિલ્મ કરી રહ્યાં છો? કેવું લાગે છે?
મારી ૩પ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમ વાર મને ગુજરાતી ફિલ્મમાં મહત્ત્વનો રૉલ કરવાની તક મળી છે તેનો મને ખૂબ આનંદ છે, પરંતુ સાડા ત્રણ દાયકા સુધી ગુજરાતી ફિલ્મક્ષેત્રે કામ ન કરવાનો ભરપૂર અફસોસ પણ છે. જોકે તે માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે. અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે યોગ્ય સ્ક્રીપ્ટ જ મળી નહોતી. વળી હું હિન્દી ફિલ્મો તરફ વળી ગઈ હતી અને આવાં કેટલાંક કારણોથી હું ગુજરાતી સિનેમાથી દૂર રહી ગઈ હતી.

આ ફિલ્મની સ્ક્રીપ્ટ શું છે?
ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’ની સ્ક્રીપ્ટ તેના નિર્દેશક વિપુલ મહેતાએ મારી સામે મૂકી ત્યારે જ તે મને ગમી ગઈ હતી અને મેં તરત જ ફિલ્મ સ્વીકારી લીધી. ગુજરાતી ફિલ્મોમાં આવા સામાજિક વિષય સાથેની કદાચ આ પહેલી ફિલ્મ હશે. પેરિસથી એક યુવતી સૌરાષ્ટ્રના એક ગામમાં રહેતાં દંપતીના ઘરે આવે છે અને તેમના જીવનમાં એક નવી આશા જગાવે છે. નિઃસંતાન દંપતીના વિષય પરની આ ફિલ્મમાં કોમેડી અને ઈમોશનલ બંને પાસાંને આવરી લેવાયા છે.

તમારી રીલ લાઈફ સાથે આ ફિલ્મી પાત્રને કોઈ સંબંધ છે?
‘કેરી ઓન કેસર’માં મારો મુખ્ય રોલ કેસરનો છે જે શામજીની પત્ની છે. જોકે આ રીલ લાઈફની કેસર સાથે મારી રિઅલ લાઈફનો કોઈ સંબંધ નથી. દરેક રૉલની જેમ મને આ રોલમાંથી પણ કંઈક શીખવા મળશે તેનો આનંદ છે.

ફિલ્મ સફળતા અંગે આપનું શું માનવું છે?
આ ફિલ્મનો વિષય નિઃસંતાન દંપતીના જીવનમાં આશાનું કિરણ જન્માવે છે. પ્રથમ વાર ટેક્નિકલી સાઉન્ડ અને મોટા બજેટની આ ફિલ્મ છે. મને આશા છે કે ગુજરાતીઓને તે પસંદ આવશે જ.

ગુજરાતી ફિલ્મો અંગે શું કહેવું છે?
ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા થોડા સમયથી અર્બન ટ્રેન્ડ શરૂ થયો છે, તે ખૂબ જ સારી બાબત છે. હવે એક યુવાવર્ગ ગુજરાતી ફિલ્મો જોવા થિયેટર સુધી પહોંચ્યો છે. ઘણાં નવા વિષય સાથેની ગુુજરાતી ફિલ્મો આવી રહી છે અને એક નવો માહોલ ઊભો થયો છે, જેથી ગુજરાતી સિનેમાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.

ગુજરાત સરકારની ફિલ્મ નીતિ પ્રોત્સાહક છે?
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે તૈયાર કરેલી નીતિ ખૂબ જ આવકારદાયક છે. સરકારની આ પ્રોત્સાહક નીતિથી ગુજરાતી ફિલ્મોને ફાયદો થશે. ગુજરાતી ફિલ્મોમાં આવેલા નવા ટ્રેન્ડ સાથે સરકારની નવી નીતિથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વેગ મળશે તેમ લાગી રહ્યું છે.

‘રામલીલા’માં તમારા પાત્ર વિશે શું કહે છો?
હિન્દી ફિલ્મ ‘રામ-લીલા’માં મારી ભૂમિકા હિટ રહી હતી, તેનું કારણ સ્વાભાવિક રીતે જ ફિલ્મ ગુજરાતી માહોલમાં બની તે હતું. એ ફિલ્મનો વિષય પણ ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાયેલો હતો એથી જ ‘ધનકોરબા’ના મારા પાત્રને પૂરો ન્યાય મળ્યો હતો.

ગોંડલ કેવું લાગ્યું?
‘કેરી ઓન કેસર’નું શૂટિંગ એક મહિના સુધી ગોંડલના રાજવી પેલેસ સહિતનાં સ્થળોએ ચાલશે. શૂટિંગ દરમિયાન ગોંડલ વિશે ફિલ્મના નિર્દેશક વિપુલ મહેતાએ એક મજેદાર વાત કહી કે, ગોંડલનાં ભજિયાં ખૂબ વખણાય છે. આ સાંભળ્યા બાદ મેં અમારા યુનિટના ૭૦ માણસો માટે મારા ખર્ચે ભજિયાં મંગાવ્યાં. આ દરમિયાન જ વરસાદ શરૂ થઈ જતાં વરસાદમાં ગરમાગરમ ભજિયાંનો સ્વાદ માણવાની મઝા પડી ગઈ.
દેવેન્દ્ર જાની

You might also like