રોહિંગ્યા અંગે કેન્દ્રની એફિડેવિટ સુપ્રીમમાં હાલ ‘હોલ્ડ’ પર રખાઈ

નવી દિલ્હી: રોહિંગ્યા મુસ્લિમોને પરત મ્યાનમાર મોકલવાના મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી હતી, પરંતુ પાછળથી આ એફિડેવિટ હોલ્ડ પર રાખવામાં આવી છે અને સાથે એવું જણાવાયું છે કે સરકાર તેમાં ફેરફાર કરીને ફરીથી એફિડેવિટ રજુ કરશે.

આ અગાઉ દાખલ કરેલ એફિડેવિટમાં સરકારે જણાવ્યું હતું કે રોહિંગ્યા ભારતમાં રહી શકે નહીં અને રોહિંગ્યાઓ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. સરકારને એવી જાણકારી મળી હતી કે રોહિંગ્યા મુસ્લિમો કેટલાક આતંકી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવે છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કોઈ દરમિયાનગીરી કરવી જોઈએ નહીં, કારણ કે તે મૂળભૂત અધિકારો હેઠળ આવતા નથી.

આ કેસ બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળ આવતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ૪૦,૦૦૦ રોહિંગ્યાઓ ગેરકાયદેસર રીતે વસી રહ્યા છે. ભારત સરકાર સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. હવે સુપ્રીમ કોર્ટમાં ૧૮ સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી યોજશે.

રોહિંગ્યા મુસ્લિમોને લઈને એફિડેવિટ પર કેન્દ્ર સરકાર તરફથી આ કેસમાં એક પક્ષકારને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે જે એફિડેવિટ તેમને આપવામાં આવ્યું હતું તે ભૂલથી આપવામાં આવ્યું છે. રોહિંગ્યા મુસ્લિમોને લઈને કેન્દ્ર સરકાર હજુ એફિડેવિટ તૈયાર કરી રહી છે, અને જે એફિડેવિટ તમને સર્વ કરવામાં આવ્યું છે તે ફાઈનલ નથી અને આ સંજોગોમાં તેને કેન્દ્ર સરકારના જવાબ તરીકે ગણવામાં ન આવે.

You might also like