આર્ટિકલ 35-A પર સુપ્રીમમાં સુનાવણી ટળી, અલગાવવાદીઓનું ‘કાશ્મીર બંધ’નું એલાન

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં બંધારણના આર્ટિકલ ૩પ-એની કાયદેસરતાને પડકારતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. આગામી 19મી જાન્યુઆરી સુધી સુનાવણી ટળી છે. આ અગાઉ ગત સોમવારે સુપ્રીમ કોર્ટે નવી અરજી પર સુનાવણી સ્થગિત કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારના આગ્રહ પર આ નિર્ણય લીધો હતો. અનિચ્છનીય ઘટના ટાળવા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

બંધારણના આ આર્ટિકલ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો છે. તેની જોગવાઈઓ હેઠળ રાજ્ય વિધાનસભાને એ અધિકાર મળેલો છે કે તેઓ પ્રાંતના સ્થાયી નાગરિકોની પરિભાષા નક્કી કરી તેમને વિશેષ અધિકારો અને સુવિધાઓ પ્રદાન કરી શકે છે. સુપ્રીમ કોર્ટ આજે આ કેસને બંધારણીય પીઠ સમક્ષ મોકલવાનો નિર્ણય પણ કરી શકે છે.

દરમિયાન અલગાવવાદીઓએ આજે કાશ્મીર બંધનું એલાન આપ્યું છે. બંધના એલાનને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં કાશ્મીરમાં ૩૫-એ હટાવવા અંગેની અફવા ફેલાઈ હતી.

જેના પગલે કાશ્મીર ઘાટીના અનેક જિલ્લાઓમાં હિંસક પ્રદર્શનો થયાં હતાં. આજે આ અંગેની સુનાવણીને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આ અગાઉ ર૭ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ ૩૫-એને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતી, પરંતુ કોર્ટે સુનાવણી સ્થગિત કરી હતી. ૬ ઓગસ્ટે યોજાયેલી સુનાવણીમાં જજની કમિટીએ ૩૫-એના મુદ્દે અનેક સવાલો પૂછ્યા હતા.

ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે તાજેતરમાં જ એક અરજી દાખલ કરીને બંધારણના આર્ટિકલ ૩૫-એને રદ્દ કરવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ આર્ટિકલને એ આધારે મનઘડંત જાહેર કરવો જોઈએ કેમ કે તે સમાનતાનો અધિકાર, અભિવ્યક્તિની આઝાદી, અંગત સ્વતંત્રતા અને મહિલાઓના સન્માન જેવા મૌલિક અધિકારોની વિરુદ્ધ છે.

આર્ટિકલ ૩૫-એની સુનાવણીના વિરોધમાં આલગાવવાદીઓએ બે દિવસીય કાશ્મીર બંધનું એલાન આપ્યું છે. અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની, ઉમર ફારુક અને યાસિન મલિકે તેના વિરોધમાં બંધનું આહ્વાન કર્યું છે. આ બંધને કાશ્મીરના ઘણાં સંગઠનોએ પણ સમર્થન જાહેર કર્યું છે.

You might also like