સુપ્રિમે મમતાની ઝાટકણી કાઢી, સંસદે પાસ કરેલ કાયદા વિરુદ્ધ રાજ્ય સરકાર કઈ રીતે જઈ શકે?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાના વિરોધમાં દાખલ કરેલ અપીલ પર સુપ્રિમ કોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટે મમતા સરકારને કહ્યું કે, તેઓ સંસદમાંથી પાસ થયેલા કાયદા વિરુદ્ધ કઈ રીતે જઈ શકે છે? ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમે 23 માર્ચે મોબાઈલને આધાર સાથે લિંક કરવાના આદેશ જારી કર્યા હતા. ત્યારથી જ મમતા બેનર્જી તેનો વિરોધ કરી રહી છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ‘મમતા બેનર્જી અંગત રીતે કોર્ટમાં જઈ શકે છે. જો આવું જ થશે તો રાજ્યના બનાવેલા કાયદા પર કેન્દ્ર સરકાર પણ દખલ કરી શકે છે.’ સુપ્રિમે રાજ્ય સરકારને પોતાની અપીલમાં ફેરફાર કરવા કહ્યું છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ટેલિકૉમ કંપનીઓને નોટિસ ફટકારી છે.

શું કહ્યું હતું મમતા બેનર્જીએ?
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, તે પોતાના મોબાઈલને આધાર સાથે લિંક કરાવશે નહીં. તેમનો ફોન બંધ કરવામાં આવશે તો પણ તે આધાર સાથે લિંક કરાવશે નહીં. મમતા બેનર્જીએ પોતાની વાત કરતાં કહ્યું હતું કે, ‘તમે મોબાઈલને આધાર સાથે લિંક કરાવશો તો તેમને (કેન્દ્ર સરકાર)ને બધી ખબર પડી જશે. તમે ઘરમાં શું ખાઈ રહ્યા છો? પતિ પત્ની શું વાત કરી રહ્યા છે, તે પણ તેમને ખબર પડી જશે.’

લોકોને પણ અપીલ કરી
તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ‘હું લોકોને અપીલ કરું છું કે આ મામલે લોકો આગળ આવે. મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવું એ વ્યક્તિગત ગોપનીયતા પર એટેક કરવા જેવું છે.’

You might also like