ફિક્સિંગ મામલામાં શ્રીસંતને રાહતઃ સુપ્રીમે આજીવન પ્રતિબંધ હટાવ્યો

(એજન્સી) નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ક્રિકેટર એસ.શ્રીસંત પર આઇપીએલ સ્પોટ ફિક્સિંગના મામલામાં મુકાયેલ આજીવન પ્રતિબંધ હટાવી લીધો છે. સુપ્રીમ કોર્ટે ક્રિકેટર એસ.શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધ પર પુનઃવિચારણા કરવા ભારતીય
ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બીસીસીઆઇને શિસ્તભંગની કાર્યવાહી કરવાનો અધિકાર છે, પરંતુ કોર્ટે બીસીસીઆઇને શ્રીસંતને સાંભળવાની તક આપવા અને ત્રણ મહિનામાં સજા નક્કી કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને પુનઃ વિચારણા કરવા તેમજ શ્રીસંતને સાંભળવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે શ્રીસંત પર લગાવવામાં આવેલ આજીવન પ્રતિબંધ એ વધુ પડતો છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણનાં વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે બીસીસીઆઇને જણાવ્યું છે કે શ્રીસંતને આપવામાં આવેલી સજા અંગે ત્રણ મહિનાની અંદર નિર્ણય કરવામાં આવે. હવે શ્રીસંત પર બીસીસીઆઇએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો પડશે કે તેના પર લગાવવામાં આવેલ આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ તેને કેવી સજા કરવામાં આવશે.

બીસીસીઆઇએ શ્રીસંત પર આઇપીએલ ર૦૧૩માં સ્પોટ ફિક્સિંગ મામલામાં દોષિત જાહેર થયા બાદ આજીવન પ્રતિબંધ મૂકયો હતો. બીસીસીઆઇના આ નિર્ણય સામે શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ અગાઉ બીસીસીઆઇએ કોર્ટમાં જણાવ્યું હતું કે શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટાબાજી અને રમતને બદનામ કરવાનો આરોપ છે. અગાઉ શ્રીસંત, અંકિત ચૌહાણ અને અજિત ચંડિલા સહિત સ્પોટ ફિક્સિંગ મામલામાં પટિયાલા હાઉસ કોર્ટે તમામ ૩૬ આરોપીઓને જુલાઇ ર૦૧પમાં ગુનાઇત કેસમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.

You might also like