ચૂંટણીપંચના પ્રતિબંધ પર માયાવતીને રાહત આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

હેટ સ્પીચને લઇ ચૂંટણીપંચે કરેલી કાર્યવાહી સામે બસપાનાં સુપ્રીમો માયાવતીએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે માયાવતીને કોઇ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. માયાવતીની ચૂંટણીપંચે લગાવેલા પ્રતિબંધ પર કોઇ અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં પહેલાં પિટિશન દાખલ કરવામાં આવે ત્યારબાદ અમે સુનાવણી કરીશું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અમે એટલું કહી શકીએ છીએ કે આ બાબતમાં ચૂંટણીપંચે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચૂંટણીપંચે આચારસંહિતાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ચૂંટણીપંચે હેટ સ્પીચને લઇ માયાવતી પર ૪૮ કલાક અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર ૭ર કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ આજે સવારે ૬-૦૦ વાગ્યાથી અમલી બન્યો છે. માયાવતી વતી એડ્વોકેટ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ચૂંટણીપંચે મનમાની રીતે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના આ નિર્ણય પર રોક લગાવવી જોઇએ.

આ રજૂઆત પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે પહેલાં તમે પિટિશન દાખલ કરો અને પછી અમે સુનાવણી કરીશું. માયાવતી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તેમણે અનેક રેલીઓ અને જાહેર સભાઓ સંબોધવાની છે અને હાલ તેમની પાસે પિટિશન કરવાનો સમય નથી.

સુપ્રીમ કોર્ટે જોકે આ મુદ્દે રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને હેટ સ્પીચના મામલામાં ચૂંટણીપંચની કાર્યવાહી પર સંતોષ વ્યકત કરીને જણાવ્યું હતું કે આ અંગે હાલ કોઇ નવો આદેશ આપવાની જરૂર નથી.

You might also like