ગોવા મામલે કોંગ્રેસને સુપ્રીમની ફટકાર ‘રાજ્યપાલને રજૂઆત કેમ ના કરી?’

પણજી: ગોવા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ નવી સરકારની રચનાને લઈને કોંગ્રેસે સુપ્રીમનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી પર આકરું વલણ અખત્યાર કરીને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે જો તમારી પાસે પર્યાપ્ત સંખ્યાબળ હોય તો પછી ગવર્નર સમક્ષ કેમ ન ગયા? અને તેમની સમક્ષ કેમ રજૂઆત ના કરી? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલો રાજ્યપાલની સત્તા અને અધિકારને લગતો હોઈ સુપ્રીમ કોર્ટમાં તેમ દરમિયાનગિરી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સીએમપદે મનોહર પારિકરના શપથગ્રહણ સામે સ્ટે આપવાનો ઇનકાર કરતા હવે આજે સાંજે તેમના શપથગ્રહણ સુનિશ્ચિત બની ગયા છે અને આજે સાંજે મનોહર પારિકર ગોવામાં સત્તાની બાગડોર સંભાળી લેશે.

અગાઉ ગોવામાં નવી સરકાર રચવાનેે લઇ પણજીથી દિલ્હી સુધી રાજકીય ગરમાવો ફેલાઇ ગયો હતો. કોંગ્રેસ ગોવામાં
સરકાર રચવાના મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.  કોંગ્રેસનો આક્ષેપ હતો કે ગોવાના રાજ્યપાલે સૌ પહેલાં સૌથી મોટા પક્ષને સરકાર રચવાની તક આપવી જોઇએ. ભાજપને સરકાર રચવાની તક આપવાથી ધારાસભ્યોની સોદાબાજી અને ખરીદી-વેચાણને પ્રોત્સાહન મળશે તો બીજી બાજુુ ગોવાના રાજ્યપાલ મૃદુલાસિંહે મનોહર પારિકરને સરકાર રચવા આમંત્રણ આપી દીધું છે. તેમણે સંરક્ષણ પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. પારિકરે ર૧ ધારાસભ્યોના ટેકા સાથેનું સમર્થનપત્ર રાજ્યપાલને સોંપ્યો હતો. કોંગ્રેસે ગોવાના રાજ્યપાલને પત્ર લખીનેે જણાવ્યું હતું કે સૌથી મોટા પક્ષ હોવાના નામે તેને સરકાર રચવા આમંત્રણ મળવું જોઇએ.

દરમિયાન કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરના નિવાસસ્થાને અરજી દાખલ કરવામાં આવી હતી અને તેમણે આજે મંગળવારે તેના પર સુનાવણી હાથ ધરવા સંમતિ આપી હતી. આ સંદર્ભમાં એક સ્પેશિયલ બેચની રચના કરવામાં આવી છે, કારણ કે ટોચની અદાલત હોળી નિમિત્તેે એક અઠવાડિયાની રજા પર છે. ગોવા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ચંદ્રકાંત કવલેકર દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મનોહર પારિકરના મુખ્યપ્રધાનપદે શપથગ્રહણ સામે મનાઇહુકમ આપવાની દાદ માગવામાં આવી છે.

કોંગ્રેસ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી દાદ માગવામાં આવી છે કે મનોહર પારિકરને મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત કરવા રાજ્યપાલના નિર્ણયને રદ કરવામાં આવે. વકીલ દેવદત્ત કામત દ્વારા દાખલ કરાયેલ અરજી પર સિનિયર એડ્વોકેટ અભિષેક મનુ સંઘવી દલીલો કરી શકે છે. આ અરજીમાં કેન્દ્ર સરકાર અને ગોવાના રાજ્યપાલને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ બંધારણના અનુચ્છેદ-૭પના પાર્ટ-ર હેઠળ મનોહર પારિકરનું કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે અને રાષ્ટ્રપતિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણ પર નાણાપ્રધાન અરુણ જેટલીને સંરક્ષણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

ભાજપના કાર્યક્રમ મુજબ આજેે સાંજે પ-૦૦ કલાકે પારિકર રાજભવન ખાતે મુખ્યપ્રધાનપદના શપથગ્રહણ કરી શકે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શપથગ્રહણ સમારોહમાં હાજર રહેશે. ગોવાના રાજ્યપાલ મૃદુલાસિંહ પારિકર સહિત તેમના પ્રધાનમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે.

http://sambhaavnews.com/

You might also like