ધાર્મિક સ્થળોને નુકસાનનું વળતર ગુજરાત સરકાર નહીં ચૂકવેઃ સુપ્રીમ

અમદાવાદ: વર્ષ ર૦૦રમાં થયેલા રમખાણોમાં નુકસાન પામેલાં ધાર્મિક સ્થળોનાં વળતર મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના એક નિર્ણયને ઊલટાવી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિક પી.પી. પંતની બનેલી બેંચે ગુજરાત સરકારને મોટી રાહત આપી છે. ધાર્મિક સ્થળોનાંંનુકસાનની ભરપાઇ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે આ ચુકાદાને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે કોઇ પણ ધાર્મિક સ્થળનાં નિર્માણ કે મરામત માટે સરકાર કરદાતાઓનાં નાણાં ખર્ચી શકે નહીં. જો સરકાર વળતર આપવા ઇચ્છતી હોય તો તેણે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ વગેરેને ઇમારત માનીને તેનાં નુકસાનને ભરપાઇ કરી શકે છે. ગુજરાત સરકારે એવી યોજના બનાવી હતી કે, નુકસાન ગ્રસ્ત ઈમારતોને વધારેમાં વધારે રૂ.પ૦ હજારનું વળતર આપવામાં આવશે. સરકારના જણાવ્યાનુસાર ધાર્મિક સ્થળ કે મસ્જિદને ધર્મના નામે નહીં, પરંતુુ ઇમારત તરીકે વળતર આપવામાં આવે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં ગુજરાત સરકારના જવાબને રેકોર્ડ પર લઇને ઇસ્લામિક રિલીફ કમિટી ઓફ ગુજરાતને ૧, મે સુધીમાં લેખિત જવાબ આપવા આદેશ કર્યો હતો. બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ જવાબમાં સાંપ્રદાયિકતાની બૂ આવવી જોઇએ નહીં.

અદાલતે ગુુજરાત સરકારની એ અરજી પર સુનાવણી કરી હતી કે જેમાં ર૦૧રના હાઇકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ગોધરાકાંડ બાદ રાજ્યમાં થયેલાં રમખાણોમાં નુકસાન પામેલાં ધાર્મિક સ્થળોને લઇને સરકારને વળતર આપવા આદેશ કર્યો હતો. હાઇકોર્ટે રાજ્યના તમામ ર૬ જિલ્લાઓમાં રમખાણો દરમ્યાન નુકસાન પામેલાં ધાર્મિક સ્થળોની એક યાદી તૈયાર કરવા જણાવ્યું હતું.

હાઇકોર્ટમાં અરજદાર ઇસ્લામિક રિલીફ સેન્ટર તરફથી એવો દાવો કરાયો હતો કે, આવાં સ્થળોની સંખ્યા લગભગ પ૦૦ છે, જ્યારે રાજ્ય સરકારનું માનવું છે કે તેની સંખ્યા ઘણી ઓછી છે. ઇસ્લામિક રિલીફ સેન્ટર ગુજરાત વતી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી રિટના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને પ૦૦થી વધુ ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળોની મરામત કરવા આદેશ કરાયો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, હિંસા દરમ્યાન ધાર્મિક સ્થળોનું જે નુકસાન થાય છે. તે સરકારની જવાબદારી છે અને તેની સરકારે મરામત કરાવવાની રહેશે.

રાજ્ય સરકારે એવી પણ દલીલ કરી હતી કે તેને વળતર આપવા માટે કહેવું એ અયોગ્ય છે. સુનાવણી દરમ્યાન ગુજરાત સરકાર વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે, બંધારણના અનુચ્છેદ ર૭ હેઠળ કરદાતાને એ અધિકાર પ્રાપ્ત છે કે, તેમની પાસેથી કોઇ ધર્મને પ્રોત્સાહન આપવા માટે ટેકસ લેવામાં આવતો નથી. આ સંજોગોમાં ધાર્મિક સ્થળોનાં નિર્માણ માટે સરકારી તિજોરીમાંથી નાણાં આપવાં અયોગ્ય છે.

You might also like