અદાણી પાવર લિ.ને સુપ્રીમની લપડાકઃ વળતર ટેરિફ પર બ્રેક

અમદાવાદ: અદાણી પાવર લિ.ને સુપ્રીમ કોર્ટ દ્વારા વધુ એક લપડાક પડી છે. અદાણી દ્વારા કરાયેલી વળતર ટેરિફ માટેની પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જેના કારણે એક કરોડથી વધુ વીજ ગ્રાહકોને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત મળી છે.
સુપ્રીમ કોર્ટમાં મુખ્ય કેસ પેન્ડિગ છે તેવા સંજોગોમાં અદાણી પાવર દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ પાસેથી વચગાળાના ટેરિફ વળતર ચૂકવવામાં આવે તેવી પિટિશન કરવામાં આવી હતી. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીને નકારી દેવામાં આવી હતી.

અદાણી પાવર લિ. (એપીએલ) દ્વારા જીયુવીએનએલ સાથે વીજળી સપ્લાય માટેના કરારના મામલે એપેલેટ ટ્રિબ્યૂનલ ફોર ઈલેક્ટ્રિસિટી (એપલેટ)ના ચુકાદા સામે વર્ષ ર૦૧રમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ત્યારથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિગ પડ્યો છે.  આ સંજોગોમાં એપીએલ જીયુવીએનએલ પાસેથી વળતર ટેરિફની ચૂકવણી મેળવવા માટે સુપ્રીમ કોર્ટ પાસેથી એક દિશા મેળવવા માગે છે.

જસ્ટિસ જે. ચેલમેશ્વર અને અભય મનોહર સપ્રેની બેન્ચે જણાવ્યું હતું કે જીયુવીએનએલ વળતર ટેરિફ ચૂકવવા માટે પસંંદ કરતી હોત તો તેને વળતર ટેરિફ ચૂકવવા માટે કોર્ટની જરૃર ન હતી, જો તે વળતર ટેરિફ ચૂકવવા માટે પસંંદ કરતી હોત તો.  અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી પાવર લિ. દ્વારા ગુજરાત સરકારના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) કરવામાં આવ્યા હતા. આ પાવર પરચેઝ કરાર વર્ષ ર૦૦૭માં કરાયા હતા. જેના અંતર્ગત અદાણી પાવર દ્વારા પાંચ વર્ષ સુધી વીજ દરમાં વધારો નહીં કરવા માટેની શરતો કરાઈ હતી. દરમિયાનમાં પીપીએના દસ દિવસ બાદ અદાણી પાવર દ્વારા જીયુવીએનએલને વિનંતી કરીને અણધાર્યા ખર્ચને પહોંચી વળવા માટે વળતર ટેરિફની માંગણી કરાઈ હતી.

You might also like