સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા નવ HCના ચીફ જસ્ટિસનાં નામની ભલામણ

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશની નવ હાઈકોર્ટના ચીફ જ‌િસ્ટસનાં નામની ભલામણ કરી છે. કોલેજિયમે દેશની નવ હાઈકોર્ટના સંપૂર્ણ સમયના ન્યાયધીશોની નિમણૂક માટે નવ નામ સરકારને મોકલી આપ્યાં છે. જો સરકાર આ નામ પર મંજૂરીની મહોર મારશે તો અત્યાર સુધીની મુખ્ય ન્યાયમૂર્તિઓની આ સૌથી મોટી નિમણૂક હશે. દેશની કેટલી હાઈકોર્ટોમાં ઘણા લાંબા સમયથી કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ કાર્યભાર સંભાળી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા જે નામની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ માટે ભલામણ કરવામાં આવી છે તેમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટ માટે જસ્ટિસ હેમંત ગુપ્તા, ત્રિપુરા હાઈકોર્ટ માટે જસ્ટિસ અભિલાષાકુમારી, જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ માટે જસ્ટિસ બી.ડી. અહેમદ, રાજસ્થાન હાઈકોર્ટ માટે પ્રદીપ નંદરાજોગ, પટણા હાઈકોર્ટ માટે જસ્ટિસ રાજેન્દ્ર મેનન, હૈદરાબાદ હાઈકોર્ટ માટે જસ્ટિસ ટી. વેપૈયી, મદ્રાસ હાઈકોર્ટ માટે જસ્ટિસ એચ.જી. રમેશ, છત્તીસગઢ હાઈકોર્ટ માટે જસ્ટિસ ટી.બી. રાધાકૃષ્ણનન અને ઝારખંડ હાઈકોર્ટ માટે જસ્ટિસ પી. કે. મોહંતીનો સમાવેશ થાય છે.

આ ભલામણો લાંબા સમયથી જજની નિમણૂકને લઈને ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે ચાલી રહેલ તકરારને કારણે પડતર હતી અને હવે આ નામની ભલામણ કરવામાં આવતાં તેને એક મોટા પગલા તરીકે જોવા મળી રહી છે. ઓક્ટોબર-૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન (એનજેએસસી)ને ગેરબંધારણીય જાહેર કર્યું હતું ત્યારથી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું હતું. કોલેજિયમની મોટા ભાગની ભલામણો સરકાર કોઈ ને કોઈ કારણસર ઠુકરાવી રહી હતી તેને લઈને સુપ્રીમ કોર્ટમાં આઠ જજની ખાલી જગ્યા પડી હતી, જે અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં ખાલી પડેલી જગ્યાની સૌથી વધુ સંખ્યા હતા.

ડિસેમ્બર-૨૦૧૫ બાદ પૂર્વ ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરના વડપણ હેઠળની કોલેજિયમે સરકારે સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ જજના નામની ભલામણ કરી નથી. મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં મે-૨૦૧૬થી કાર્યકારી મુખ્ય ન્યાયમૂ‌િર્ત‌ છે. આ કાર્યભાર સંભાળી રહેલા જસ્ટિસ રાજેન્દ્ર મેનન હવે પૂર્ણકાલીન મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે પટણા હાઈકોર્ટ જશે.
http://sambhaavnews.com/

You might also like