શાહબુદ્દીનના જામીન રદ્દ, ફરી જવું પડશે જેલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આરજેડી નેતા શાહબુદ્દીનના જામીન રદ્દ કરી દીધા છે. એસિડ કાંડ મામલે પીડિત યુવકોના પરિવાર તરફથી  કેસ લડી રહેલાં વકીલ પ્રશાંત ભૂષણે માહિતી આપી છે કે, આજે સુપ્રીમ કોર્ટે બંને અરજદારો (ચંદા બાબુ અને બિહાર સરકાર)ની અરજીને મંજૂરી કરી દીધી છે. સાથે જ બિહાર સરકારને આદેશ આપ્યો છે કે શહાબુદ્દીનને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવે. પ્રશાંત ભૂષણે જણાવ્યું કે કોર્ટ રાજીવ રોશનનો કેસ ટ્રાયલ પણ જલ્દી પૂરો કરી દેશે. આ મામલે બિહાર સરકારને પહેલાંના વલણ અંગે પ્રશાંત ભૂષણે જણાવ્યું કે રાજ્ય સરકારની મિલીભગતથી શાહબુદ્દીને ફાયદો થયો છે. તો આ તરફ પીડિત પરિવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

જામીન રદ કર્યાના સમાચાર સાંભળીને પીડિત પરિવારની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ મામલે પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, તેઓ શાહબુદ્દીનને બિહારની બહાર કોઈ જેલમાં રાખવા અને વીડિયો કોન્ફરન્સ દ્વારા ટ્રાયલ કરાવવા અંગેની પણ એક અરજી કરી ચૂક્યા છે.

બિહાર સરકાર ઉપરાંત તેના ત્રણ દીકરાને ગુમાવનાર ચંદા બાબુ ઉર્ફે ચંદ્રકેશ્વર પ્રસાદએ અરજીમાં શહાબુદ્દીનના જામીન રદ કરવાની અરજી કરી હતી. ચંદા બાબુએ પોતાની અરજીમાં કહ્યું છે કે શહાબુદ્દીન પરત આવવાથી આ વિસ્તારમાં ફરી એકવાર ડરનો માહોલ છે.

જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે પણ સીવાનમાં માર્યા ગયેલા ત્રણ ભાઈઓની માતા વતી શહાબુદ્દીનની જામીનને સુપ્રીમમાં પડકારી હતી. ગત ડિસેમ્બરમાં શાહબુદ્દીનને આજીવન કારાવાસની સજા થઇ હતી. હાલમાં જ હાઈકોર્ટમાંથી તેને જામીન મળ્યા હતા. આ મુદ્દે ચારે બાજુથી ટીકા થયા બાદ બિહાર સરકારે શહાબુદ્દીનના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે સુપ્રીમે શાહબુદ્દીનની જામીન અરજી ફગાવી દીધી છે.

You might also like