તામિલનાડુ સરકાર રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી શકે નહીંઃ સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે તામિલનાડુ સરકારને રાજીવ ગાંધી હત્યા કેસમાં એક મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવા સામે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની સલાહ વગર તામિલનાડુ સરકાર રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી શકે નહીં. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે આ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે.

સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું છે કે જે મામલામાં કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી હોય એ મામલામાં કેદીઓની મુક્તિ માટે રાજ્યોને કેન્દ્રની મંજૂરી લેવી જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓની મુક્તિના મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ અગાઉ તામિલનાડુ સરકારે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સાત હત્યારાઓને છોડી મૂકવા નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે હત્યારાઓને માફી આપવાનો અધિકાર રાજ્ય સરકારને નથી.

રાજીવ હત્યાકાંડના સાત અપરાધીઓને મુક્ત કરવાના તામિલનાડુ સરકારના નિર્ણય સામે તામિલનાડુ સરકારના નિર્ણય સામે મનાઈ હુકમ આપતાં નાની બેન્ચ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર બંધારણીય બેન્ચ સત્તાવાર રીતે નિર્ણય લેશે એવું જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ માફી આપવાની કારોબારીની સત્તાના દાયરા પર નાની બેન્ચ તરફથી ઉઠાવવામાં આવેલા સાત મુદ્દા પર ચુકાદો સંભળાવશે. આ અંગે એવો નિર્ણય લેવામાં આવશે કે જે કેસમાં સીબીઆઈ જેવી સેન્ટ્રલ એજન્સીઓ પ્રોસિક્યુટર છે તેમાં રાજ્ય સરકારોની પાસે પણ માફી આપવાની સત્તા હોય કે ન હોય.

વાસ્તવમાં રાજીવ ગાંધી હત્યામાં ફાંસીની સજાથી રાહત મેળવનારા તમામ અપરાધીઓને છોડી મૂકવાના તામિલનાડુ સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

તામિલનાડુની સરકારે રાજીવ ગાંધી હત્યાકાંડમાં મોતની સજામાંથી રાહત પામનારા તમામ દોષિતો સંથન, મુરુગન, પેરારિવલન અને જન્મટીપની સજા કાપી રહેલ નલિની શ્રીહરન, રોબર્ટ પાયસ, રવિચંદ્રન અને જયકુમારને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.

You might also like