ટ્રિપલ તલાક અાજથી ખતમ, મુસ્લિમ મહિલાઅોમાં ખુશીની લહેર

નવી દિલ્હી: ટ્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક પર છ મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે અને સાથે એમ પણ કહ્યું છે કે ટ્રિપલ તલાકને રોકવા માટે સરકાર કાયદો બનાવે. પાંચ જજની બેન્ચના ત્રણ જજે ટ્રિપલ તલાકના મુદ્દાને ગેરબંધારણીય ગણાવ્યો હતો. જ્યારે ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર અને જસ્ટિસ અબ્દુલ નઝીરે કહ્યું કે ટ્રિપલ તલાક ધાર્મિક પ્રેક્ટિસ છે તેથી કોર્ટ તેમાં દખલ નહીં કરે. જોકે આ બંને જજે એમ પણ માન્યું છે કે આ પાપ છે તો સરકારે તેમાં દખલ દેવી જોઈએ અને તલાક માટે કાયદો બનાવવો જોઈએ.
દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે અને મુસ્લિમ સમાજના પુરુષોને કોર્ટનો આ આદેશ માનવા અપીલ કરી છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી કેસ લડનારા વકીલ ચંદ્રારાજને જણાવ્યું હતું કે ટ્રિપલ તલાકનો ઉલ્લેખ કુરાનમાં નથી.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે આવકારીએ છીએ. આ મામલો હવે સંસદમાં જશે. આગળ બીજી અનેક લડાઈઓ બાકી છે.સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેહરે કહ્યું કે ટ્રિપલ તલાક કલમ- ૧૪, ૧૫ અને ૨૧નું ઉલ્લંઘન નથી એટલે કે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર ન કરી શકાય. જસ્ટીસ ખહેરે એમ પણ ટાક્યું હતું કે જો સંસદ છ મહિનામાં કાયદો પસાર ના કરે તો સ્ટે ચાલુ રહેશે. તો બીજી તરફ ત્રણ જજ જસ્ટિસ યુ.યુ. લલિત, જસ્ટિસ કુરિયન જોસેફ અને આર.એફ. નરિમાને ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને છ મહિનાની અંદર ટ્રિપલ તલાક મુદ્દે સંસદમાં કાયદો બનાવવાના આદેશ કર્યા છે. આ મુદ્દાને ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચે સુઓમોટો હાથમાં લીધો હતો. આ અંગેની સુનાવણી દરમિયાન પાંચ જજની બંધારણીય બેન્ચે સરકારને સવાલ કર્યો હતો કે જો તેઓ ટ્રિપલ તલાકને અયોગ્ય માને છે તો માટે કાયદો કેમ બનાવતા નથી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ ટ્રિપલ તલાકને લગ્ન જીવનના વિચ્છેદ માટેની અત્યંત નિમ્ન કક્ષાની પ્રથા ગણાવી હતી. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરની બનેલી પાંચ જજની અધ્યક્ષતામાં ૧૮ મેના રોજ સુપ્રીમે આ અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મુસ્લિમોની બહુ પત્નીત્વની પ્રથાને તલાક સાથે જોડવાનો ઈનકાર કર્યો હતો.

ખેહર ઉપરાંત આ કેસની સુનાવણીમાં અલગ અલગ ધર્મના જસ્ટિસ કુરિયન જોસેફ, આર.અેફ. નરિમાન, યુ.યુ. લલિત અને એસ. અબ્દુલ નઝિર છે. સુપ્રીમે પાંચ મુસ્લિમ મહિલાઓ દ્વારા ટ્રિપલ તલાકના મામલે દાખલ કરેલી પિટિશનને જોડીને લાંબી સુનાવણી બાદ આ ચુકાદો જાહેર કર્યો હતો.

અરજકર્તાઓએ તેમની પિટિશનમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ટ્રિપલ તલાકની પ્રથા ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે આ સાથે મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પણ સવાલ કર્યો હતો કે શું નિકાહનામામાં એવી શરત સામેલ કરી શકાય કે મહિલા ત્રણ તલાકનો સ્વીકાર નહીં કરે.

આ અંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે જો બોર્ડ એવી સલાહ આપે તો પણ નીચલા સ્તરે કાજી તેનો અમલ કરે કે નહીં તેની ગેરંટી કોણ લેશે. કોર્ટમાં સરકારનો પક્ષ રજૂ કરનાર એટર્ની જર્નલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે આ મુદ્દાને બહુમતી વિરુદ્ધ લઘુમતીનો મુદ્દો બનાવવાની કોશિશ અયોગ્ય છે. લઘુમતી સમુદાયમાં પણ મહિલાઓ લઘુમતીમાં છે. તેઓ પીડિત છે અને આ તેમના અધિકારની વાત છે.

You might also like