મેગી પર પ્રતિબંધ હટાવતા આદેશ વિરુદ્ઘ સુપ્રીમમાં અપીલ

નવી દિલ્હી : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ)એ દેશમાં મેગી નૂડલ્સ પરથી પ્રતિબંધ હટાવવા સંબંધિત મુંબઈ હાઈકોર્ટના આદેશ વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. એફએસએસએઆઈએ હાઈકોર્ટના ૧૩ ઓગસ્ટના આદેશને ક્ષતિયુકત ગણાવીને ફરીથી પરીક્ષણ માટે આપવામાં આવેલા નમૂના સામે સવાલો ઉઠાવ્યા છે.
એફએસએસએઆઈએ દલીલ કરી છે કે હાઈકોર્ટે કોઈ નિષ્પક્ષ પ્રાધિકરણને બદલે સ્વીસ કંપનીના ભારતીય યુનિટ નેસ્લેને જ નવા નમૂના ઉપલબ્ધ કરાવવાનું કહીને ભૂલ કરી છે. આ અગાઉ હાઈકોર્ટે દેશમાં મેગી નૂડલ્સના નવ પ્રકાર પર પ્રતિબંધ લગાવવા સંબંધિત એફએસએસએઆઈ અને મહારાષ્ટ્રના ફૂડ કન્ટ્રોલરના આદેશને રદબાતલ ઠરાવ્યા હતા. હાઈકોર્ટે જણાવ્યું હતું કે પ્રતિબંધ લગાવતી વખતે કુદરતી ન્યાયના સિદ્ઘાંતોનો અમલ કરવામાં આવ્યો નથી, કારણ કે મેગીનું ઉત્પાદન કરનાર પક્ષને સાંભળવામાં આવ્યો નથી. એફએસએસએઆઈનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અરજીમાં
ખાદ્ય નિયામકના અધિકારીઓ વિરુદ્ઘ કરવામાં આવેલી વિપરીત ટિપ્પણીઓને પણ હટાવવાની માગણી કરવામાં આવી છે.
તેમાં જણાવાયું છે કે એફએસએસએઆઈને સંબંધિત કાયદા હેઠળ પ્રયોગશાળામાં નમૂનાની તપાસ કરવા માટે મંજૂરી આપવામાં આવે અને સાથે જ માત્ર સરકારી માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં તપાસ કરવાનો આગ્રહ રાખવામાં ન આવે કે જેની સંખ્યા ઘણી ઓછી છે.

You might also like