આધાર નહીં તો રાંધણગેસ સબસિડી ન મળે તેવી શકયતા

નવી દિલ્હી : રાંધણગેસની સબસિડીના મામલામાં પણ હવે કેન્દ્ર સરકાર નવા પગલાં લેવા માગે છે અને ઘણાં સુધારા કરવા માગે છે. હવે નવી યોજના મુજબ આધારકાર્ડ નહીં હોય તો રાંધણગેસ સબસિડી મળશે નહીં તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના વર્તુળોએ ગઈકાલે સાંજે પત્રકારોને આ માહિતી આપી હતી અને એમ કહ્યું હતું કે અંદાજે ૧૨થી ૧૫ ટકા રસોઈ ગેસ ગ્રાહકોએ પોતાના આધાર નંબર બેન્ક અને કનેકશન સાથે લિન્ક કરાવ્યાં નથી.

દેશમાં કુલ ૧૬ કરોડ ૩૫ લાખ રાંધણગેસ ગ્રાહકો છે અને જો મોટાભાગના ગ્રાહકોએ પોતાના આધારકાર્ડના નંબર બેન્ક અથવા તો કનેકશન સાથે લિન્ક નહીં કરાવ્યા હોય તો હવે તેમને સબસિડી અપાશે નહીં તેવી ગોઠવણ ચાલી રહી છે. ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટ્રિબ્યૂટર્સ ફેડરેશનના મહાસચિવ ચંદ્રપ્રકાશે એવી માહિતી આપી છે કે ગેસ વિતરક બધા હવે ગ્રાહકો સુધી ઓઈલ કંપનીઓનો આ સંદેશ પહોંચાડી રહ્યા છે અને તેના માટે અલગથી કર્મચારીઓને નિયુકિત કરાયા છે.

આ કર્મચારીઓ ગ્રાહકોને સમજાવી રહ્યા છે કે તમે જલદી આધાર નંબર બેન્ક અને કનેકશન સાથે લિન્ક અપ કરાવો નહીંતર હવે પછી રાંધણગેસની સબસિડી મળવાનું બંધ થઈ જશે. કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ મંત્રાલય સાથે અને સમિતિઓના સૂચનો બાદ કરેલી ચર્ચાને અંતે આ પ્રકારનો નિર્ણય લીધો છે. દેશના તમામ રસોઈ ગેસ ગ્રાહકો આધાર નંબર ધરાવે તે જરૂરી છે.

આધાર નહીં હોય તો સબસિડી બંધ થઈ જશે તે વાત પર હવે કોઈ શંકા રહી નથી. જો કે કેન્દ્ર સરકારની આ નવી વ્યવસ્થા સામે થોડો દેકારો થવાની પણ સંભાવના છે પરંતુ કેન્દ્ર સરકાર પોતાની આ નીતિમાં કોઈ ફેરફાર કરવા માગતી નથી તેમ પણ પેટ્રોલિયમ મંત્રાલયના વર્તુળોએ જણાવ્યું છે.

You might also like