પુરવઠાના ઘટાડાથી સેબીએ ચણામાં માર્જિન વધાર્યું

અમદાવાદ: સેબીએ ચણાનું માર્જિન વધારી દીધું છે. એક બાજુ માગ ઊંચી છે તો બીજી બાજુ પુરવઠો ઘટવાની સંભાવનાએ ચણાના ભાવમાં જોવા મળી રહેલા એકતરફી ભાવવધારાના કારણે ચણાના માર્જિનમાં વધારો કરાયો હોવાનું કોમોડિટી કારોબારીઓનું કહેવું છે. ચણાના માર્જિનમાં વધારો થવાના કારણે ખરીદનાર પક્ષમાં કુલ માર્જિન વધીને ૯૫ ટકા થઇ ગયું છે. સેબીએ પાછલા મહિને કહ્યું છે કે ચણામાં નવી પોઝિશનમાં કારોબાર પર પ્રતિબંધ મૂક્યો છે.

કોમોડિટી એક્સચેન્જ એનસીડીઇએક્સ દ્વારા ચણાના તમામ ચાલુ લાંબા સમયગાળાના કોન્ટ્રેક્ટ પર ૪૦ ટકા રોકડ સ્પેશિયલ માર્જિન લગાવ્યું છે. આ માર્જિન વર્તમાન રોકડ સ્પેશિયલ માર્જિનથી વધારાનું હશે.

નજીકના ભવિષ્યમાં સપ્લાય ઓછો થઇ જવાની સંભાવનાઓ પાછળ સેબીએ પાછલા મહિને ૧૬ જૂને ચણાના નવા વાયદા કારોબાર ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.

દરમિયાન કોમોડિટી કારોબારીઓના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલાં બે વર્ષથી દેશમાં જોવા મળી રહેલ દુષ્કાળ જેવી સ્થિતિ તો બીજી બાજુ ચણાની ઓછી આવક વચ્ચે કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં ચણાના ભાવમાં ૭૦થી ૮૦ ટકાનો વધારો જોવાઇ ચૂક્યો છે.

You might also like