સુનીલ ગાવસ્કરે શા માટે ગાંગુલીને BCCIના અધ્યક્ષ બનાવવાની દલીલ કરી?

મુંબઈઃ સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેને હટાવી દીધા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાની કમાન કોણ સંભાળશે. આ દિશામાં ઘણાં નામ દોડમાં ચાલી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમનાે ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર આ પદ માટે સૌરવ ગાંગુલીના નામનું સૂચન કરી રહ્યો છે.
ગાવસ્કરે કહ્યું હતું કે, ”આ સમગ્ર ઘટનાક્રમથી ભારતીય ક્રિકેટ બોર્ડની છબીને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ ઘટના બાદ દુનિયાભરમાં બીસીસીઆઇની છબી ખરાબ થઈ છે.” જોકે આની સાથે જ ગાવસ્કરે એવું પણ કહ્યું કે હવે ભારતીય ક્રિકેટનો એક બિલકુલ નવો ચહેરો શરૂ થઈ રહ્યો છે.

ગાવસ્કરે જણાવ્યું, ”એક વાર જ્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય કરી જ લીધો હોય તો તેનો સ્વીકાર થવો જ જોઈએ. સારી વાત એ છે કે ખેલાડી પણ રાજ્ય બોર્ડની ચૂંટણીઓમાં ભાગ લઈ શકશે. બીસીસીઆઇ પાસે સારી બેંચ સ્ટ્રેન્થ છે, જે મોટી ભૂમિકા ભજવી શકે છે. આમાં સૌરવ સૌથી આગળ છે. ૧૯૯૯-૨૦૦૦માં જ્યારે ભારતીય ક્રિકેટ મેચફિક્સિંગની જાળમાં ફસાયું હતું ત્યારે સૌરવને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી અને તેણે બધું જ બદલી નાખ્યું હતું. આથી સૌરવ ગાંગુલી જ યોગ્ય છે, જેને બીસીસીઆઇનું અધ્યક્ષપદ સોંપી દેવું જોઈએ.” જોકે સૌરવે બીસીસીઆઇનું અધ્યક્ષપદ સંભાળવાનો ઇનકાર કરીને કહ્યું હતું કે, ”હું આના માટે યોગ્ય ઉમેદવાર નથી.”
http://sambhaavnews.com/

You might also like