રાજસ્થાનના ભીનમાલમાં આવેલું સુંધામાતાનું મંદિર….

સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકામાં સૌગન્ધિક સુંધા પર્વત આવેલો છે. આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો ‘સુંધારો ભાખર’ કહે છે.

આ સુંધારા ભાખર પર દેવી ચામુંડા બિરાજમાન છે. અહીં મા ચામુંડા ‘સુંધામાતા’ કહેવાય છે. સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ-ટેકસી મળી રહે છે.

સુંધા પર્વતનું કુદરતી સૌંદર્ય ગજબનું છે. ચોમાસામાં તો સુંધા પર્વત સોળે કળાએ ખીલી ઊઠે છે. સુંધા પર્વત એક પુણ્યભૂમિ ગણાય છે. જયાં અનેક સાધુ-સંતોએ ઘ્યાન-તપ-સાધના કરી દૈવીશકિતઓ પ્રાપ્ત કરી છે. મહારાણા પ્રતાપે હલ્દીઘાટી યુદ્ધ પછીના દુ:ખમય દિવસો અહીં પસાર કર્યા હતા. ત્રિપુર રાક્ષસનો વધ કરવા સદાશિવ ભોળાનાથે અહીં તપ કર્યું હતું.

સુંધામાતાના મંદિર સુધી પહોંચવા પગથિયાં ચડવાં પડે છે પણ વૃદ્ધ, અશકત, બાળકો, સ્ત્રીઓ માટે ઉડનખટોલાની સગવડ છે. દેવી ચામુંડાનું આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર જાલોર નરેશ ચાચિંગદેવ ચૌહાણે બનાવેલું છે. પ્રાચીન સમયમાં દેવી ચામુંડાને દારૂ અર્પણ કરાતો, પરંતુ માલવાડાના ઠાકુર દુર્જનસિંહએ ૧૯૭૬થી દારૂ, બલિ બંધ કરાવ્યાં અને સાત્ત્વિક સ્વરૂપની પૂજાવિધિ શરૂ કરાવી.

સુંધા મંદિરની કોતરણી દેલવાડાનાં જૈન દેરાસર જેવી છે. તે બાર સ્તંભો પર ટકેલું છે. મંદિરમાં પ્રવેશતાં ડાબે-જમણે ગોરા-કાળા ભેરુજી બિરાજમાન છે. પ્રવેશદ્વાર પર મૂકેલા સિંહના શિલ્પ જાણે કે મંદિરનું રક્ષણ કરતા હોય એવા આબેહૂબ નજરે પડે છે. ગુફામંદિરમાં ચામુંડાદેવી-સુંધામાતાનાં સાંનિઘ્યમાં બ્રહ્માણી, વારાહી વગેરે છ દેવીઓ બિરાજમાન છે.

મા ચામુંડા-સુંધામાતા ધડરહિત દેવી છે. તેથી અહીં અઘટેશ્વરી કહેવાય છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે. માતાજીની પાસે તલવાર મૂકેલી છે. બાજુમાં વર્ષોથી અખંડ જયોત ઝગમગે છે. સામે જ ભૂરેશ્વર મહાદેવ છે. બાજુમાં ભોયરું છે. આ ભોંયરા દ્વારા આબુનો રાજ પરિવાર મા ચામુંડાનાં દર્શન કરવા આવતો હતો.

માતાજીની સન્મુખ ચાંદીથી મઢેલો સિંહ છે. મંદિરનાં પ્રાંગણમાં માતાજીને વિશાળ ત્રિશૂળ શ્રદ્ધાળુ ભકતે અર્પણ કર્યું છે. તેના પર સૂર્ય, શિવ, જગદંબા અને ગણેશની મૂર્તિઓ ઉપસાવેલી છે. મંદિરથી નીચે ઊતરતાં સામે જ મહાકાલી માતાજીનું મંદિર છે. અહીં ભેરુજીનું સ્થાન, ગોગાજીનું મંદિર અને વિષ્ણુ-ગણેશ-હનુમાનનાં મંદિરો છે. રાજસ્થાનની વૈશ્નોદેવી ગણાતાં મા ચામુંડાની લીલા અપરંપાર છે.•

You might also like