સમુદ્રી માતા (સુંદરી ભવાની)નું સ્થાનક

હળવદ ગામની દક્ષિણે ૧૬ કિ.મી. દૂર આવેલ કન્‍ડોલિયા બ્રાહ્મણોના કુળદેવી સમુદ્રી માતા (સુંદરી ભવાની)ના સ્‍થાનકમાં આવેલ પાંચ પાંડવો તથા શ્રીકૃષ્‍ણની અતિ પ્રાચીન મૂર્તિઓ અતિ પ્રાચીન છે. સુંદરી ભવાની હળવદથી મોરબીના વાયા ચરાડવાના રસ્તે ૫૦૦૦ વર્ષ પુરાણી એવી એક ઐતિહાસિક જગ્યા છે.

ત્યાં પહેલાં સમુદ્ર ઘુઘવતો હતો. આજે પણ દરિયાકિનારે બેઠા હોઇએ અને મઝાની ઠંડી પવનની લહેરો ખરે બપોરે આ બળબળતા ઉનાળામાં પણ તરબતર કરી દે એવી અનુભૂતિ થાય છે. આ સમુદ્રના કિનારા પર ”વેદારણ્ય” નામનું વન હતું.

આ તપોવનમાં પાંચ ૠષિઓ તપશ્ચર્યા કરી રહ્યા હતા. આવા પાંચ આશ્રમમાં કણ્વ ૠષિનો પણ આશ્રમ હતો. રામાયણના સમયથી રાક્ષસોને ૠષિ-મુનિઓનાં તપ-જપ ગમતાં ન હોઇ એમના હવન-હોમમાં હાડકાં નાખી વિધ્ન કરતા હતા. આથી કણ્વ ઋષિએ સમુદ્રની પ્રાર્થના કરી – પરિણામે સમુદ્રમાંથી ‘સમુદ્રીદેવી’ પ્રકટ થયાં. એ કણ્વ ૠષિની રક્ષા કરી. આ સમુદ્રી દેવીની અહીં સ્થાપના થઇ એ ”સમુદ્રી” ત્યારબાદ સુંદરી ભવાની તરીકે પ્રખ્યાત થઇ પૂજાવા લાગ્યાં.

સમુદ્રમાં વસવાટ કરતાં અનેક દેવીઓ છે, પણ સમુદ્રમાંથી બહાર આવી પૃથ્વી ઉપર વસવાટ કરતાં હોય તેવાં સમુદ્રનાં માતાજી એટલે સુંદરી ભવાની. તેમનું મંદિર જે હળવદથી ૧૬ કિલોમીટર દૂર આવેલા પાંચાળ પ્રદેશમાં આવેલું છે, સારાયે દેશનું બેનમૂન ઐતિહાસિક બેનમૂન યાત્રાધામ ગણાય છે. આ માતાજીના નામથી ગામનું નામ જ ‘સુંદરી ભવાની’ છે.

મહાભારતકાળ પૂર્વેના આ મંદિર સાથે કણ્વ ઋષિથી માંડીને પાંડવોની દંતકથા સંકળાયેલી છે! અહીં અનેકાનેક પથ્થરો પણ બ્રહ્મશિલા અને ધર્મશિલાનું સ્વરૂપ ગણી પૂજાય છે! પ્રાચીન કાળમાં મહાન ઋષિ મુનિઓની યોગભૂમિ તેમ જ અવતારી યુગપુરુષનાં પાવન પગલાં અને ધર્મ અધ્યાત્મનો અમૂલ્ય વૈભવ ધરાવતી આ ભૂમિ સુંદરી ગામના પાદરમાં અગાઉ દરિયો હતો અને તેથી વહાણવટું કરવાનું આ મુખ્ય કેન્દ્ર હતું.

અહીં નજીકમાં જ ગાઢ જંગલ હતું! સતયુગમાં કણ્વ મુનિ અહીં તપ કરતા હતા, જેથી આ સ્થાનની રક્ષા માટે કણ્વ મુનિએ સમુદ્રની આરાધના કરતાં મા ભવાની (માતા સામુદ્રી) પ્રસન્ન થયાં અને સમુદ્રમાંથી બહાર નીકળી પોતાના વાહન સિંહ ઉપર સવાર થઈને અહીં પધાર્યાં હતાં.

સુંદરી ભવાની માતાજી અનેક જ્ઞાતિનાં કુળદેવી છે, પણ વિક્રમ સંવત ૧૯૮૭માં માતા સામુદ્રીના મંદિરનો જીર્ણોદ્ધાર દશા સોરઠિયા વણિક અમરચંદ માધવજી વૈદ્યે કરાવ્યો હતો. ૧૯૩૦માં શ્રી શંકર ભૂમાનંદ સ્વામી દ્વારા મંદિરનું સંચાલન થતું હતું તે સમયે ૧૯૩૦ અને ૧૯૩૮માં મહારાજા ઘનશ્યામસિંહે ૧૫,૧૨૨ ગજ જમીન ૧૦૦૮ રૂપિયામાં આપી હતી. આથી આ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે.

શ્રી સુંદરી ભવાની માતાજી મંદિરની અંદર આરસની વિશાળ કલાત્મક મૂર્તિઓ છે. સુંદર નકશીકામથી શોભતી આ મૂર્તિ નયનરમ્ય લાગે છે. માથે લાલચટક ચૂંદડી, ચાંદીનો મુગટ, ઉપરના ભાગે ચાંદીનાં છતર અને હાથમાં તલવાર તથા ગળામાં હાર તો નાકે નથણી શોભે છે.

You might also like