સુંદરકાંડનું સુંદર માહાત્મ્ય

શ્રીરામચરિતમાનસમાં સાત કાંડ છે, જેનું પાંચમું સોપાન સુંદરકાંડ છે. સુંદરકાંડની પ્રત્યેક ચોપાઇ, દોહા, છંદ વગેરે એટલાં સુંદર છે કે આપણને તે વારંવાર વાંચવા છતાં કે સાંભળવા છતાં સહેજપણ કંટાળો આવતો નથી. જેટલી વખત વાંચીએ કે સાંભળીએ દરેક વખતે તેમાંથી આપણને દરેક વખતે નવા અર્થ જાણવા મળે. સુંદરકાંડનું ધૂપ, દીપ, પુષ્પ, આસન, હનુમાનજીની મૂર્તિ તથા પ્રસાદ અને ખાસ કરીને દિલમાં અપાર ભક્તિ સહિત જો કોઇ શાંત ચિત્તે આનું પઠન કે શ્રવણ કરે તો તેનાં જીવનનાં આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર થઇ જાય છે. આ બાબતનો આ લેખના લેખક સહિત અનેક ભક્તોને અનુભવ છે. શ્રીરામચરિતમાનસ એક અદ્ભુત ગ્રંથ છે. તેમાં શ્રીરામની તમામ હકીકત છંદ, ચોપાઇ, દોહા સહિત છે.
શ્રીરામચરિતમાનસમાં સાત કાંડ છે, તેમાં દરેકનું આગવું મહત્ત્વ છે. સુંદરકાંડ આપણને જીવન જીવવાનો સાચો અને સચોટ રસ્તો બતાવે છે. સુંદરકાંડનાં પાત્રો, પ્રસંગો અને નિર્માણ થયેલી પરિસ્થિતિમાંથી ઘણું શીખવા આપણને મળે છે.
સુંદરકાંડની દરેક ચોપાઇ સ્વયં એક મંત્ર છે. જો તમારે તેનો તાદૃશ્ય અનુભવ કરવો હોય તો તમે કોઇ પણ એક ચોપાઇ કંઠસ્થ કરી તેને ૧૦૮ કે ૧૦૦૮ વખત જપી સિદ્ધ કરી લો. પછી આ ચોપાઇને તમે હનુમાનજી મહારાજની છબી કે મૂર્તિ સમક્ષ ધૂપ, દીપ, પ્રસાદ, પૂજન, અર્ચન કરી તેમને ચડાવી શાંત ચિત્તે લાલ આસન પર બેસી જપો. જપ કરતાં પહેલાં સંકલ્પ દ્વારા તમે તમારા મનના ભાવને સંકલ્પમાં ઉતારી જપો. આ પ્રયોગ મંગળવાર કે શનિવારે અને હનુમાન જયંતી કે શનિ જયંતીને દિવસે જપો. શક્ય હોય તો રાતના નવ પછી રાતના ત્રણ સુધી જપો. તમારો ઇચ્છિત સંકલ્પ માત્ર ત્રણ મહિનામાં પૂરો થશે. આ બાબતનો આ લેખના લેખકને પ્રત્યક્ષ અનુભવ છે. શ્રી હનુમાનજી મહારાજ આ કળિયુગમાં પ્રત્યક્ષ દેવ છે, જે બાબત ભૂલવા જેવી સહેજ પણ નથી.
હનુમાનજી મહારાજના સાધક ઉપાસકે શક્ય એટલું મન, કર્મ. વચનથી બ્રહ્મચર્ય પાળવું. પરસ્ત્રીને માતા સમાન ગણવી. આટલું કરવા માત્રથી હનુમાનજી મહારાજની જે તે ભક્ત ઉપર અસીમ કૃપા ઊતરે છે. જે સુંદરકાંડના પ્રખ્યાત ઉદ્ગાતા છે તે સર્વને આ બાબતનો પ્રત્યક્ષ અનુભવ છે.
જો તમારા જીવનમાં ભયંકર પીડા ઊભી થઇ હોય અને તે વૈદ્ય, હકીમ, ભૂત, ભૂવા, દોરા, ધાગા, સંત, પીરથી દૂર થઇ શકતી ન હોય તો સફેદ મોટા આકડાનું એક પાન લઇ તેને ધોઇ સિંદૂરથી જયશ્રીરામ લખી તેને હનુમાનજીના મસ્તક ઉપર કે છાતી ઉપર ચડાવી મનનો સંકલ્પ વ્યક્ત કરો. જુઓ તમારી પીડા કેવી દૂર થઇ જાય છે. હા, પીડા દૂર થતાં જ શાંત ચિત્તે હનુમાનજી મહારાજ સમક્ષ સુંદરકાંડનો એક પાઠ કરો. પાઠમાં ગોળ ચણા નૈવેદ્યરૂપે હનુમાનજીને ધરાવો. પાઠના અંતે તે પ્રસાદ પોતે તથા કુટુંબીજનોએ લઇ વધેલો પ્રસાદ કાળી ગાયને અથવા કોઇ ગાયને ખવડાવી દેવો જરૂરી છે. કોઇ દૂષ્ટ વ્યક્તિ તમને ખૂબ પજવતી હોય તો હનુમાનજી સમક્ષ તે માટે પ્રાર્થના કરો. સાથે બજરંગબાણનો કે સુંદરકાંડનો પાઠ કરો. આ પાઠ સાત વખત કરવાથી તમારો દુશ્મન શાંત થઇ જશે. તમારી સાથે પ્રેમપૂર્વક વર્તશે.
સુંદરકાંડ દરેક રીતે સુંદર હોવાથી, તેમાં હનુમાનજી મહારાજની પરાક્રમગાથા હોવાથી દરેક રીતે શાંતિ થાય છે. ન ધારેલી સફળતા મળે છે. અવિવાહિતને કન્યા અથવા વર મળે છે. નાણાં બચતાં ન હોય તો બચે છે. દરેક રીતે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સુંદરકાંડ ખરેખર સુંદર જ છે.•

You might also like