અપાર ઐશ્વર્ય આપે છે સૂર્ય ઉપાસના

સૂર્ય ઉપાસના મનુષ્યને ખૂબ તેજસ્વી તથા પ્રભાવી બનાવે છે. તેથી ધૌમ્ય ઋષિએ યુધિષ્ઠિરને સૂર્યની ઉપાસના કરવા સૂચવ્યું છે. વિશ્વામિત્ર રચિત ગાયત્રી મંત્ર અને જુદા જુદા પ્રકારનાં સૌર સૂકતનો ઉલ્લેખ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. જેનો ઉદય થતાં જ સમગ્ર વિશ્વમાં ચેતનાનો સંચાર થાય છે તે છે આ જગતના હાજરાહજૂર સવિતાનારાયણ.

કશ્યપ ઋષિના અને માતા અદિતિના આ પુત્ર સૌથી નાના છે. જન્મથી જ તેમને કોઇ અવયવ ન હતા. આથી તેઓ માર્તંડ કહેવાયા. અન્ય દેવો કરતાં આ પહેલાં જન્મતાં તેમનું એક નામ આદિત્ય પણ છે… તો એક અન્ય ગ્રંથ મુજબ તેઓ બ્રહ્માના વંશ અંતર્ગત મરિચિ ઋષિના પુત્ર તરીકે પણ જણાયા છે.

સૂર્યનારાયણ દેવનું અસ્તિત્વ જો આકાશગંગામાં ન હોત તો સમગ્ર પૃથ્વી ઉપર ચેતના પણ ન હોત. આ જગતમાં તમામ ચેતના તેમના થકી જ પ્રગટે છે. તે વાત નિર્વિવાદ છે. ભગવાન શ્રીરામના પૂર્વ વંશજ સૂર્યવંશી રાજા દમના પુત્ર હર્ષવર્ધન ખૂબ ધાર્મિક અને દયાળુ રાજા હતા. તેમની પ્રજા પણ ભકતવત્સલ તથા દયાળુ હતી. યથા રાજા તથા પ્રજા ન્યાયે રાજાની પ્રજા પણ ખૂબ ધાર્મિક હતી.રાજા દરરોજ ગરીબોને ખૂબ દાન આપતો હતો. તેના રાજમાં બ્રાહ્મણો તથા યજ્ઞયાગાદિને ખૂબ જ મહત્ત્વ અપાતું હતું. તેમનું ખૂબ સન્માન થતું હતું.

એક વખતની વાત છે. રાજા મહેલની અગાશીમાં રાણી પાસે માથામાં તેલ નંખાવતા હતા. તેલ નાખતાં નાખતાં રાણીએ રાજાના માથામાં એક સફેદ વાળ જોયો. સફેદ વાળ જોઇ રાણી રડવાં લાગ્યાં. રાજાએ રાણીને પૂૂછયું કે, “હે સુશ્રોણી, આપ એકાએક કેમ રડવાં લાગ્યાં?”  આથી રાણીએ રાજાને રડતાં રડતાં કહ્યું  કે,  “હે રાજન, હે મદનાંતક,
આપના માથામાં સફેદ વાળ જોઇ મને આપના આયુષ્યની ચિંતા થાય છે. તેથી મારી આંખમાં આંસુ આવી ગયાં.” તે સાંભળી રાજાએ રાણીને કહ્યું કે, “હે ઘટઃસ્તન્યૈ, હે કોમલાંગી, નામ તેનો નાશ તે કુદરતી ન્યાય છે. તે મુજબ મારું પણ મૃત્યુ નિશ્ચિત છે. તમે જોયેલા સફેદ વાળે મને સતેજ કર્યો છે. આથી હવે હું તપ કરવા જઇશ.”

આ વાત નગરમાં ફેલાઇ ગઇ. પ્રજા આવીને રાજાને કહેવા લાગી કે હે રાજન આપ હજુ થોડો સમય તપ કરો. આથી રાજા રોકાઇ ગયો. થોડા સમય પછી રાજા ફરી તૈયાર થયો. ફરી પ્રજાએ તેને રોકી લીધો.  પ્રજાનો રાજા પ્રેમ જોઇ રાજાએ તથા પ્રજાએ સૂર્યદેવનું તપ શરૂ કર્યું. બધાએ રાજાનું આયુષ્ય વધારવાનું વરદાન માગ્યંુ. આથી સૂર્યદેવે રાજાનું આયુષ્ય વધારી આપ્યું. રાજા કહે કે, “હે સૂર્યનારાયણ, મારી પ્રજા વગર મારું આયુષ્ય વધે તેને મારે શું કરવું?” આથી સૂર્યદેવે રાજા જેટલું જ આયુષ્ય પ્રજાને પણ આપ્યું.•

You might also like