મંગળવારથી સૂર્ય-બુધ-શનિની યુતિ રાજકીય ઉથલપાથલની શક્યતા

વડોદરા : કારતક સુદ-એકમના દિવસે પ્લવંગ સંવત્સર સાથે નવા વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષના ૫ દિવસ પૂરાં પણ થઇ ગયા છે ત્યારે બીજી બાજુ લાભ પાંચમની રાત્રિ અર્થાત તા.૧૬ નવેમ્બરથી તા.૧૬ ડિસેમ્બર સુધી રહેનારી સૂર્ય-બુધ-શનિની યુતિ દરમિયાન દેશમાં રાજકીય ઉથલપાથલ થવાની શકયતાને લઇ ઠંડીની મોસમમાં દેશમાં રાજકીય ગરમાવો વર્તાય તેવી શકયતા છે. ટૂંકમાં મંગળની રાશિ વૃશ્ચિકમાં સૂર્ય-બુધ- શનિ ગ્રહની યુતિ મંગળ કરશે કે અમંગળ તે જાણવા લોકો ઉત્સુક બન્યા છે.૧૨ રાશિ અને ૧૨ મહિના છે. સૂર્ય દરેક રાશિમાં એક-એક મહિનો રહેતો હોઇ એ રાશિનું સ્વામિત્વ ભોગવે છે. જે અંતર્ગત સૂર્યગ્રહ તા.૧૬ નવેમ્બરની રાત્રે ૧૨.૦૨ કલાકે અને બુધ ગ્રહ તા.૧૭ નવેમ્બરની સવારે ૭.૨૯ કલાકથી તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશીમાં શનિ ગ્રહ તા.૨ નવેમ્બર ૨૦૧૪થી જ હાજર છે ત્યારે તા.૧૬ નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં હવે સૂર્ય-બુધ-શનિની યુતિનો યોગ સર્જાશે.જયોતિષ શાસ્ત્રી નયન જોશીએ જણાવ્યું હતું કે સૂર્ય બુધનું રાશી પરિવર્તન વૃશ્ચિક રાશીમાં શનિ ગ્રહની સાથે યુતિ થતાં સૂર્ય-બુધ-શનિ સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો વધારશે. આ સમયગાળામાં અણધાર્યા પરિણામ પ્રાપ્ત થવાની શકયતા છે. જમીન-મકાન સબંધી કાર્યોમાં તેજી આવશે. ઉપરાંત રમત-ગમતના ક્ષેત્રમાં રમતવીરોને સફળતા મળશે. સૂર્ય નવગ્રહનો રાજા છે, શનિ સૂર્યનો પુત્ર છે. પરંતુ સૂર્ય-શનિ એકબીજાના શત્રુ ગ્રહ હોવાના કારણે રાજકીય ઉથલપાથલ કરાવે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલ અને લોખંડના ભાવમાં વધારો થાય.

You might also like