વ્યતીપાતઃ એક અશુભ યોગ

વ્યતીપાત એટલે ઉત્પાત. જ્યોતિષના મતે જે ૨૭ અવયોગ છે તે માંહેનો આ એક અવયોગ છે. આ યોગ અશુભ હોવાથી તેમાં શુભ કર્મો ત્યજવાં. શ્રવણ, અશ્વિની, ઘનિષ્ઠા, આર્દ્રા તથા મૃગશીર્ષ નક્ષત્રમાં જે અમાસ હોય અને રવિવાર હોય તો વ્યતીપાત બહુ જ અશુભ ગણાય.
વ્યતીપાતના સમય દરમિયાન પુષ્કળ દૂધ આપતી ગાયનું દાન કરવું. તે સાથે યથાશક્તિ નાણાંની દક્ષિણા આપવી. મજબૂત લાકડાંથી બનાવેલ સુખદ શૈયા ગુરુજીને આપવી. ચોખા, કંકુ, કપૂર, ચંદન, દીપ, પગરખાં, છત્ર, ચામર, આસન આપવાં. આમ કરનાર મનુષ્ય તેના મરણ પછી રત્નના વિમાનમાં બેસી સ્વર્ગમાં જાય છે. સ્વર્ગનાં દર્શન કરી તે સૂર્યલોકમાં જાય છે. ત્યાં અનંત કાળ સુધી સુખ ભોગવે છે. બીજા જન્મે તે પુષ્કળ તપ કરનારો ખૂબ સુખી અને ધર્માત્મા બને છે.
કથાઃ એક વખતની વાત છે. ચંદ્રમા એક વખત પૂનમની રાત્રે ગગનમાં વિહાર કરતા હતા. તે વખતે તેમણે દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારાને જોઇ. તેનું અનુપમ લાવણ્ય ભલભલાને મોહિત કરનારું હતું. તેથી ચંદ્ર તારા પ્રત્યે આકર્ષાયા. તેમણે તારાને લલચાવી પોતાની પાસે રાખવા માંડી. ચંદ્રમાની આ ધૃષ્ટતા જોઇ સૂર્યદેવ કે જેઓ ચંદ્રમાના પરમ મિત્ર છે તેમણે ચંદ્રદેવને ઠપકાના સૂરે દેવપત્ની તારાને છોડી દેવા સમજાવ્યા. આથી ચંદ્રદેવને સૂર્યદેવ ઉપર ભયંકર ગુસ્સો ચડ્યો. તેમણે ભયંકર લાલ આંખ કરી સૂર્યદેવ સામે જોયું. તેમની આંખમાંથી અંગારા નીકળતા હતા. તે સૂર્યદેવની છાતીમાં વાગ્યા. આથી સૂર્યદેવે ચંદ્રમા કરતાં પણ ભયંકર કૃદ્ધ દૃષ્ટિ કરી ચંદ્રદેવ સામે જોયું. બંનેનાં નેત્રમાંથી જે કિરણ છૂટ્યાં તે ભેગાં થતાં જ એક ભયંકર દેખાવવાળો પુરુષ ઉત્પન્ન થયો. તેનું મોં ખુલ્લું હતું. તેની આંખ પીળી હતી. તેના હોઠ દબાયેલા હતા. દાંત ખૂબ લાંબા હતા. તેની દાઢી, વાળ તથા મૂછ પીળાં હતાં. તેની ભ્રુકુટિ અને જીભ લાંબાં હતાં. પેટ ખૂબ પાતળું હતું. તેને આઠ આંખ, ચાર મુખ અને ૧૮ હાથ હતા. તેથી તે સૂર્ય, ચંદ્ર, યમ, અગ્નિ જેવો દેખાતો હતો. તે પુરુષ ત્રણેય જગતને ખાવા લાગ્યો. તે જોઇ સૂર્ય ચંદ્ર કંપી ઊઠ્યા. તેમણે તરત જ તે પુરુષને રોકતાં કહ્યું કે, ‘હે પુત્ર, તું અમારી કૃદ્ધ દૃષ્ટિને કારણે ઉત્પન્ન થયો છે. તેથી તારે કાંઇ ત્રિજગતને ખાવાની જરૂર નથી. તું ખાવાનું બંધ કર.’ આથી વ્યતીપાતે જગતને ખાવાનું બંધ કરતાં બંનેને પ્રણામ કરી કહ્યું કે, ‘હે પિતાઓ, મને ખૂબ ભૂખ લાગી છે. મારે ખાવું શું. ક્રોધ અને ભૂખ મને જ ખાયા કરે છે. તે બંનેને હું ક્યાં નાખું?
આથી સૂર્ય અને ચંદ્ર બંને કહેવા લાગ્યા કે, ‘હે પુત્ર, તું અમારા ક્રોધને કારણે જન્મ્યો છે. માટે તું આ જગતમાં વ્યતીપાતને નામે પ્રસિદ્ધ થઇશ. જ્યોતિષમાં જે અશુભ યોગ છે તે તમામનો તું અધિપતિ થઇશ. સર્વ યોગ વચ્ચે તું પુણ્યકારક થઇ પડીશ. તારી ઉત્પત્તિ વખતે કોઇ મનુષ્ય વિવાહ કે અન્ય શુભ કર્મો કરશે નહીં. તે દિવસે તારા સમય દરમિયાન જે મનુષ્યો જે કાંઇ પુણ્ય, દાન, જપ, તપ કર્યાં હશે તે અક્ષય થશે.’ વ્યતીપાતના સમય દરમિયાન ખૂબ દાન પુણ્ય કરવાં.
વ્યતીપાતે ફરીથી તેમને કહ્યું કે, ‘હે પિતા, આપનાં વચન મારે મન સુવર્ણ આજ્ઞા છે, પણ મને ખૂબ ભૂખ લાગે છે. મારે ખાવું શું?’ તેથી સૂર્ય ચંદ્રે તેને કહ્યું કે હે પુત્ર, જે મનુષ્ય તારા સમય દરમિયાન જે કાંઇ દાન પુણ્ય કરે તે તારે ખાવું. જે તે સમયે દાન ન કરે તેના ઉપર તારે તારો કોપ ઉતારવો. આથી પ્રસન્ન થયેલ વ્યતીપાત જગતમાં ફરવા લાગ્યો. સૂર્યદેવની સમજાવટથી ચંદ્રમાએ ગુરુ પત્ની તારાને છોડી દીધાં. • શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like