સુમનદીપ યુનિ. કૌભાંડોનું ઘર : ફી માટે નાપાસ કરવાની ધમકીઓ પણ અપાતી

વડોદરા : સુમનદીપ યુનિવર્સિટીના ચેરમેન મનસુખ શાહ રૂપિયા 20 લાખની લાંચ લેતા પકડાયા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જે ખુલાસાઓ પરથી એવું સ્પષ્ટ થાય છે કે મનસુખ શાહ શિક્ષણનો વેપાર કરતા હતા. મનસુખ શાહના એક પછી એક કારનામા બહાર આવવા લાગ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મનસુખ શાહ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપતો અને બાદમાં વાલીઓ પાસેથી ઉંચી ફી ઉઘરાવતો. આ રીતે ડોનેશન લઈને મનસુખ શાહે રૂપિયા 250 કરોડનો વેપલો કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પરંતુ એસીબીના હાથ માત્ર વીસ લાખ રૂપિયા જ લાગ્યા છે. સુમનદીપ યુનિવર્સિટીમાં અનેક અધિકારીઓના બાળકો અભ્યાસ કરતા હોવાથી તેનો ભરપૂર લાભ મનસુખ શાહ ઉઠાવતા અને અધિકારીઓના સંતાનો પાસેથી મસમોટી ફી વસૂલતા હતા. તેમણે એક અધિકારીની પુત્રીને ફેઈલ કરી હતી. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓમાં પણ ડર ફેલાયેલો રહેતો.

તો બીજીતરફ એવું પણ જાણવા મળ્યું છે કે મનસુખ શાહ અને કેતન દેસાઈ મિત્રો છે. કેતન દેસાઈ અગાઉ એમસીઆઈમાં લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. તેઓ લાંચ કેસમાં ફસાયા બાદ ઉચ્ચ પદ પર બેઠા હતા. હાલમાં તેઓ વિશ્વ મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષ છે. એટલું જ નહિ એમસીઆઈના હાલના અધ્યક્ષ જયશ્રીબહેન પણ સુમનદીપ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. એવું કહેવાય છે કે જયશ્રીબહેનના મનસુખ શાહ પર આશિર્વાદ છે. જેના કારણે તેમને છૂટો દોર મળી ગયો હતો.

તો બીજીતરફ એવી વાત પણ સામે આવી છે કે મનસુખ શાહ પર ભાજપના મોટા માથાઓના આશિર્વાદ છે. અને તેના થકી જ મનસુખ શાહે એક ડેન્ટલ હોસ્પિટલમાંથી બે હજાર કરોડથી વધુનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે. શાહે છેલ્લા 12 વર્ષમાં કરોડોની સંપત્તિ ઉભી કરી છે. પૂર્વ મંત્રી પણ શાહના ભાગીદાર રહી ચૂક્યા છે. મહત્વનું છે કે રૂપિયા 20 લાખની લાંચ લેતા પકડાયા બાદ શાહના અનેક કારનામા બહાર આવી રહ્યા છે અને હજુ પણ વધુ હકિકતો બહાર આવે તેવી શક્યતાઓ છે.

You might also like