બ્રુનેઈના સુલતાન પોતાનું જંબો જેટ જાતે ઉડાડીને દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હી: આપણે બધા જાણીએ છીએ કે દુનિયાના ધનાઢ્ય અને માલેતુજાર લોકો સામાન્યતઃ પોતાની કાર જાતે ડ્રાઈવ કરતા નથી. દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોમાં જેમનો સમાવેશ થાય છે એવા બ્રુનેઈના સુલતાન હસનલ બેલ્કિયાહ આ બાબતમાં ટ્રેન્ડ સેટર છે.

આજે ઈન્ડો આશિયાન સમિટ અને ભારતના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવી પહોંચેલા બ્રુનેઈના સુલતાનનું પ્લેન જ્યારે લેન્ડ થયું ત્યારે લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. તેનું કારણ એ છે કે બ્રુનેઈના સુલતાન પોતાનું વિમાન જાતે ઉડાડીને આવ્યા હતા.

ક્વિન એલિઝાબેથ ૩ બાદ સુલતાન દુનિયાની કોઈ પણ રાજાશાહીમાં સૌથી વધુ શાસન કરનાર હસ્તી છે. સુલતાન હસનલ પોતાનું જમ્બો જેટ વિમાન જાતે ઉડાડીને દિલ્હી પહોંચ્યા હતા. એરક્રાફ્ટ જ્યારે દિલ્હીમાં લેન્ડ થયું ત્યારે તેમના સ્વાગત માટે ઉપસ્થિત અધિકારીઓ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા.

કેન્દ્રમાં મોદી સરકારે શાસન સંભાળ્યા બાદ બ્રુનેઈના સુલતાનનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. કેટલાક વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર સુલતાન વિમાન જાતે ઉડાડવાના શોખીન છે.

આ અગાઉ જ્યારે ૨૦૦૮ અને ૨૦૧૨માં તેઓ ભારત આવ્યા હતા ત્યારે પણ તેમણે પોતાનું વિમાન જાતે જ ઉડાડ્યું હતું. સુલતાનના ૭૪૭-૪૦૦ જમ્બો જેટ ઉડાડવા માટે પાઈલટની ટીમ પણ છે.

You might also like