અઝલાન શાહ કપ: ભારતે 4-3થી જાપાન સામે મેળવ્યો વિજય

ઇપોહ: 26માં સુલતાન અઝલાન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં ભારતે અહીં રમાયેલ રોમાંચક મેચમાં જાપાન સામે જીત મેળવી છે. ભારતે અઝલાન શાહ કપની મેચમાં જાપાનને 4-3થી પરાજય આપ્યો છે. આ મેચ મંદીપ સિંહ ભારતને વિજય અપાવનાર હિરો રહ્યો છે. મંદીપ સિંહે જાપાન સામેની મેચમાં ત્રણ ગોલ કર્યા છે. આમ ભારતે મંદીપ સિંહના શાનદાર રમતના કારણે અઝલાન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં શાનદાર વાપસી કરી છે. ભારત તરફથી પ્રથમ ગોલ રૂપિંદર પાલ સિંહે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત ગત વર્ષે અઝલાન શાહ કપ હોકી ટૂર્નામેન્ટનું ઉપવિજેતા છે અને આ વખતે તેની નજર ટાઇટલ જીતવા પર છે.

અત્યાર સુધીમાં રમાયેલ ચાર મેચમાં ભારતનો બે મેચમાં વિજય થયો છે જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતનો પરાજય થયો હતો. જ્યારે ગ્રેટ બ્રિટેન સામેની મેચ ભારતે ડ્રો કરી હતી. આમ આજના વિજય બાદ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા ભારત માટે ફરી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે. આ અગાઉ ભારત નવ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગયું હતું. લંડનમાં જૂનમાં રમાનારી વિશ્વ લીગ સેમીફાઇનલ માટે આ ટૂર્નામેન્ટ ભારત માટે ઘણી અગત્યની છે.
http://sambhaavnews.com/

You might also like