સુકમામાં સુરક્ષાદળો સાથે અથડામણઃ ૪ મહિલા નકસલી ઠાર

રાયપૂર : છત્તીસગઢના નકસલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ મોટા પાયે કાર્યવાહી હાથ ધરીને ચાર મહિલા નકસલીઓને ઠાર મારી હતી અને ઘટના સ્થળેથી હથિયારો જપ્ત કર્યા હતા.
બસ્તરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એસઆરપી કલ્લૂરીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ સુકમા જિલ્લાના ગાદીરાસ વિસ્તારમાં કાર્યવાહી કરીને ચાર મહિલા નકસલીઓને ઠાર મારી હતી.
તેમણે જણાવ્યું કે સુકમા અને દંતેવાડા જિલ્લા સાથે જોડાયેલા ગાદીરાસ વિસ્તારમાં ડિવિઝનલ કમાન્ડર આયતુ તેના સાથીઓની સાથે હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતાં જ છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફની જોઇન્ટ ટીમને રવાના કરવામાં આવી હતી.
આયતુ નકસલવાદીઓની દરભા ડિવિઝનલ કમિટીનો સભ્ય છે. તેના પર ઘણો નકસલવાદી હુમલો સામેલ હોવાનો આરોપ છે. જેમાં ઝીરમ હુમલામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સહિત ૩૧ લોકોનાં મોતની ઘટનાનો પણ સમાવેશ થાય છે.
કલ્લૂરીએ જણાવ્યું હતું કે આયતુ વિશે માહિતી મળ્યા બાદ પોલીસ ટીમને રવાના કરવામાં આવી હતી. ટીમ આજે સવારે નાગલગુડાના પહાડની નજીક પહોંચી ત્યારે નકસલીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૃ કરી દીધો હતો. પાછળથી જવાનોએ પણ વળતી કાર્યવાહી કરી હતી. લગભગ બે કલાકના ગોળીબાર બાદ નકસલીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.

તેમણે જણાવ્યું કે પાછળથી સુરક્ષાદળના જવાનોએ ઘટના સ્થળની તલાશી લીધી ત્યારે ત્યાં વર્દીધારી ચાર મહિલા નકસલીઓના મૃતદેહ, એક ૩૦૩ રાઇફલ, ૧૨ બોરની બે બંદૂક તથા અન્ય સામગ્રી મળી આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અથડામણમાં આયતુને પણ ગોળી વાગી હતી પરંતુ તેના સાથીઓ તેને પોતાની સાથે લઇ જવામાં સફળ રહ્યાં હોવાની પોલીસને માહિતી મળી હતી. છત્તીસગઢમાં નકસલીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં છેલ્લાં એક મહિનામાં પોલીસે ૧૪ નકસલીઓને ઠાર માર્યા હતાં.

You might also like