ભાવનગરમાં બેંક મેનેજરે કરી આત્મહત્યા તો 2 યુવાનોએ ગળેફાંસો ખાદ્યો

શહેરનાં પાલડી, ઓઢવ અને બાપુનગર વિસ્તારમાં આત્મહત્યાના ત્રણ બનાવ બન્યા છે. જેમાં એક પરિણીતા અને બે યુવાનોએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખતા પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાલડી વિસ્તારમાં કોચરબ ગામ ખાતે પટેલવાસમાં રહેતી સુમનબહેન સંદિપભાઇ ભોંસલે નામની ર૬ વર્ષીય પરિણીતાએ બપોરના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પી.એમ. માટે મોકલી આપી સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ ઓઢવ વિસ્તારમાં વિમલ ત્રણ રસ્તા રાજેન્દ્રપાર્ક નજીક આવેલ વાળીનાથ નગર ખાતે રહેતા મિલન અનીલભાઇ મોરાડે નામના ર૬ વર્ષીય યુવાને પણ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું.

પોલીસ તપાસ દરમ્યાન આ યુવાનની પત્ની રિસાઇને પિયર ચાલી ગઇ હોવાથી મનમાં લાગી આવતા તેને આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત બાપુનગર વિસ્તારમાં આવેલા આનંદ ફલેટ ખાતે રહેતા સંજય મંગળદાસ પરમાર નામના ર૪ વર્ષના યુવાને સાંજના પાંચ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસ દરમ્યાન આ યુવાને શ્વાસની ‌બીમારીથી કંટાળી જઇ આપઘાત કર્યો હોવાનું જાણવા મળે છે.

બેન્કના બ્રાંચ મેનેજરે અગમ્ય કારણોસર કરેલી આત્મહત્યા
ભાવનગરની એક સોસાયટી ખાતે બેન્કના બ્રાંચ મેનેજરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લઇ જીવનલીલા સંકેલી લેતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ભાવનગરનાં ચિત્રા વિસ્તારમાં આવેલી સહયોગ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષની વયના એન.જે. ચૌહાણ કાળાનાળા ખાતે આવેલી શિહોર મર્કેન્ટાઇલ બેન્કમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ મેનેજર ગઇકાલે સાંજે ફરજ પરથી ઘેર આવ્યા હતા અને ત્યારબાદ મોડી સાંજે પોતાના રૂમમાં જ પંખાના હૂક સાથે દોરડું બાંધી તેમણે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ આત્મહત્યા કરનાર બેન્ક મેનેજરના ઘરનાં સભ્યોના નિવેદનો લઇ પૂછપરછ કરી હતી. પરંતુ હજુ સુધી આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળી શક્યું નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુરમાં અકસ્માતે દાઝી જતાં યુવતીનું મોત
ગોમતીપુર વિસ્તારમાં અકસ્માતે દાઝી જવાથી એક યુવતીનું મોત થતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોમતીપુર વિસ્તારમાં બળિયાકાકા ચાર રસ્તા પાસે આવેલ લાલભાઇ ફકીરની ચાલી ખાતે રહેતી કલ્પનાબહેન રાહુલભાઇ કુરીલ નામની રપ વર્ષીય યુવતી પ્રાયમસમાં કેરોસીન પુરતી હતી ત્યારે થોડુંક કેરોસીન નીચે ઢોળાયું હતું. આ વખતે જ તેની નાની દીકરીએ રમતાં રમતાં સળગતી દીવાસળી નીચે ફેંકતા એકદમ આગી લાગી હતી. જેમાં કલ્પનાબહેન ગંભીરપણે દાઝી જતાં તેમને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોડીરાત્રે સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like