મિત્ર સાથેનો ફોટોગ્રાફ વાઇરલ કરવાની ધમકી મળતાં સગીરાઅે અાપઘાત કર્યો

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે અાવેલી એક સોસાયટીમાં રહેતી સગીરાઅે ગઈ કાલે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સગીરા અને તેના સાથી મિત્રનો અન્ય બે સગીરે ફોટો પાડીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી અાપતાં મનમાં લાગી અાવતાં અાત્મહત્યા કરી લીધી હતી.

સગીરાઅે અાત્મહત્યા કરતાં પહેલાં એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં બે સગીરના કારણે અાત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. બાવળા પોલીસે ત્રણ સગીર સામે અાત્મહત્યાના દુષ્પ્રેરણ અને ધાકધમકીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાવળા વિસ્તારમાં અાવેલી અેક સોસાયટીમાં રહેતી વેપારીની ૧૬ વર્ષીય પુત્રી તેના સાથી મિત્રને બાવળા જીઈબી ખાતે મળવા ગઈ હતી. દરમિયાનમાં બે સગીર ત્યાં અાવ્યા હતા અને સગીરાને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી. બંનેઅે સગીરાનો તેના સાથી મિત્ર સાથે ફોટો પાડી દીધો હતો. ફોટો પાડીને સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વારંવારના બ્લેકમેલથી કંટાળી જઈ કાલે મોડી રાતે સગીરાઅે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લીધી હતી.

અાત્મહત્યા કરતાં પહેલાં સગીરાઅે એક સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘મમ્મી, મને જીવવાનો કોઈ જ હક નથી, કારણ કે મારાથી એક ભૂલ થઈ છે, જેના માટે હું માફીની હકદાર નથી. હું મળવા ગઈ હતી ત્યાં બે જણા અાવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. અને મારા મિત્રનો ફોટો પાડી લીધો હતો અને બંને મને બ્લેકમેલ કરતા હતા. મારા ઘરમાં કોઈને કંઈ ખબર નથી.

સ્યુસાઈડ નોટમાં બંને સગીરને ઉદ્દેશીને લખ્યું છે કે મારા ઘરના કોઈ સભ્યને ખબર નથી. તેથી મારા પરિવારને હાથ અડાડવાની હિંમત પણ કરતા નહીં. બે સગીરનાં નામ લખીને સૌથી વધારે તેમનો જ વાંક હોવાનું સગીરાઅે સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. બાવળા પોલીસે ત્રણ સગીર સામે ફરિયાદ નોંધી તેમની ધરપકડની તજવીજ શરૂ કરી છે.

You might also like