વ્યાજખોરોથી ત્રાસીને મહેસાણાનાં યુવાનની હોટલમાં આત્મહત્યા

અમદાવાદ: મહેસાણાના યુવાને વ્યાજખોરોથી ત્રાસીને સિદ્ધપુરની એક હોટલમાં હાથે બ્લેડના ચેકા મારી તેમજ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે ત્રણ ટકાના વ્યાજે લીધેલા પૈસાનું ૨૦ટકા વ્યાજ વસૂલતાં છેવટે કંટાળી તેને આ પગલું ભર્યું હતું.

પોલીસને રૂમમાંથી આઠ પાનાંની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં તને ત્રણ વ્યાજખોરને કડક સજાની માગ કરી છે. પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મૂળ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામના વતની અને મહેસાણામાં ધરમ સિનેમા પાછળ શિવસાગર ફ્લેટમાં બી-૪માં રહેતા શુક્લ નિરમ અનિલકુમાર રવિવારે બપોરે ૧વાગે સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે આવેલી ઝમઝમ હોટલના ગેસ્ટ હાઉસમાં રૂમ નં.૧૦૭માં રોકાયો હતો.

સોમવારે બપોરે ૧૨ વાગે ત્રણ અજાણ્યા શખ્સો નિરમને શોધવા ગેસ્ટ હાઉસમાં આવી તેના રૂમનો દરવાજો ખખડાવતાં દરવાજો ખુલ્યો ન હતો. હોટલ માલિકે રૂમની બારીમાંથી જોતાં નિરમના ડાબા હાથે બ્લેડો મારેલી હોઇ લોહી વહી રહ્યું હતું, તેમજ બાજુના ટેબલ પર દવાની બોટલ પડેલી જણાતાં બીજી ચાવીથી દરવાજો ખોલી ૧૦૮ બોલાવી હતી.

સિદ્ધપુર સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસને ગેસ્ટ હાઉસની રૂમમાંથી આઠ પાનાંની સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે તેણે ટ્રાન્સપોર્ટના વ્યવસાય માટે મિત્ર પટેલ સંદીપભાઈ પાસેથી ત્રણ ટકાના વ્યાજ લેખે દોઢ લાખ લીધા હતા અને ત્યાર બાદ પાંચ ટકા વ્યાજ લેવાનું શરૂ કરેલું.

સંદીપે તેની મુલાકાત દેસાઈ મોતી નારણભાઇને કરાવી, જેથી મોતીભાઈએ આ રૂપિયા તેમના હોવાનું જણાવી ધાકધમકી આપી રૂપિયા ચૂકવી આપવા જણાવેલ. પરંતુ હું રૂપિયા સમયસર ના ચૂકવી શકતાં મારી પાસેથી ૧૦ ટકા લેખે વ્યાજ વસુલતા હતા. છેલ્લે ૨૦ ટકા વ્યાજ લેખે મહિને રૂ. ૩૦ હજાર વસૂલતા હતા તેમજ મારી ગાડી પણ આ ઈસમોએ તલોદના લાલાભાઇ રાવલને વેચીને તેના રૂપિયા વ્યાજમાં વસૂલ કર્યા હતા.

વારંવાર ધમકીથી કંટાળીને આ પગલું ભર્યું છે અને ત્રણે ઈસમોને કડક સજા થાય તેવો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં કરાયો છે. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે.

You might also like