ભિલોડાના ખારીની અરેરાટીભરી ઘટના માતાનું બે સંતાનો સાથે અગ્નિસ્નાનઃ ત્રણેયનાં મોત

અમદાવાદ: ઉત્તર ગુજરાતમાં મોડાસા તાલુકાના ભિલોડા નજીક આવેલા ખારી ગામે એક પરિણીતાએ બે માસૂમ સંતાનો સાથે અગ્નિસ્નાન કરી લઇ સામૂહિક આત્મહત્યા કરી લેતા આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી જન્માવી છે.

પ્રાપ્ત મ‌ાહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ભિલોડા તાલુકાના કરણપુરા ગામની સોનિયા નામની યુવતીના પાંચ વર્ષ પહેલાં ભિલોડા નજીક આવેલ ખારી ગામના દુર્ગેશ નામના યુવાન સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમ્યાન આ દંપતીને ત્યાં જૈનીક (ઉ.વ. પ) અને નિધિ (ઉ. ૧૦ માસ) નામના બે સંતાનો હતા.

લગ્ન બાદ બે વર્ષ સુધી બધું બરાબર ચાલતું હતું પરંતુ છેલ્લા કેટલાક વખતથી સોનિયા અને તેના પતિ દુર્ગેશ વચ્ચે નજીવી બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. દુર્ગેશ સોનિયા માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હોવાથી સોનિયા વારંવાર રિસાઇને તેના પિયરમાં ચાલી જતી હતી.

આ પછી સમાધાન થઇ જતા તે ફરી સાસરીમાં આવતી હતી. થોડા દિવસની શાંતિ બાદ ફરી સોનિયાની નણંદ મિત્તલ, દિયર રાઘવ અને પતિ દુર્ગેશ ભગોરા મેણાંટોણાં મારી ત્રાસ આપતા હોવાથી સોનિયાએ છેવટે કંટાળી જઇ બે દિવસ પહેલાં પોતાના ઘરમાં રાત્રી દરમ્યાન બંને બાળકો પર કેરોસીન છાંટ્યા બાદ પોતે પણ શરીર પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા ત્રણેયને ગંભીર પણે દાઝી ગયેલી હાલતમાં અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ત્રણેયનાં મોત થતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like